નવી દિલ્હી: એક તરફ એશિયન ગેમ્સમાં જ્યાં ભારતના મેડલ્સની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે, ત્યાં ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પુનિયાને ઈરાનના ખેલાડી રહેમાન સામે 8-1થી હાર સ્વીકારવી પડી. ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ભારતીય કુશ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરનારા બજરંગ પૂનિયાને વગર ટ્રાયલે એશિયન ગેમ્સમાં એન્ટ્રી મળી હતી, હવે તેની હાર પર ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહનું નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું બૃજભૂષણ શરણ સિંહે: મહત્વપૂર્ણ છે કે, રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ થતી સમયે બૃજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, બજરંગ પુનિયાને મેડલ કેમ નહીં મળ્યો, તેના પર જ્યારે દુનિયા બોલી રહી છે, તો હું શું બોલું. 65 કિલો વજન વર્ગમાં તો ગોલ્ડ મેડલ મળવો જ જોઈતો હતો. કારણ કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર કુશ્તીને ખુબ પ્રમોટ કરી રહી છે. દરેક પહેલવાન પર ખુબ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. આ વર્ગમાં એક પણ મેડલ ન આવવો ખુબ દુ:ખની વાત છે.