- બિન-ભાજપશાસિત રાજ્યોમાં વેટ ઘટાડવા માટે BJPનું પ્રદર્શન
- ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડીને વિપક્ષને ભીંસમાં લાવ્યું
- કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરતા TMC ચૂપ થઈ ગઈ
હૈદરાબાદ: ઓઇલના ખેલમાં બીજેપી (BJP)એ એવી ગુગલી ફેંકી, જેમાં વિપક્ષ મૂંઝવાઈ ગયું છે. દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol And Diesel Prices)ને લઈને વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું હતું, હવે ભારતીય જનતા પાર્ટી બિન-ભાજપ શાસિત રાજ્યોમાં વેટ (VAT) ઘટાડવા માટે પ્રદર્શન કરી રહી છે. ડીઝલ-પેટ્રોલના ભાવ પર પ્રહાર કરવાને બદલે કોંગ્રેસ (Congress) અને અન્ય પક્ષો વેટની લડાઈમાં સ્પષ્ટતાઓ આપી રહ્યા છે.
VAT ઘટાડીને BJPએ વિપક્ષને ભીંસમાં લાવ્યું
તમામ પૃથ્થકરણ પછી પણ લોકોમાં સંદેશો જતો હતો કે કેન્દ્ર સરકારના ભારે ટેક્સને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આમાં રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો વેટ ક્યાંક ખોવાઈ ગયો હતો. ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડીને લોકોના ગુસ્સાને ઘટાડવાનો પ્રયાસ કર્યો, સાથે જ બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પણ ભીંસમાં લાવી.
મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાહુલ ગાંધી ચૂપ થઈ ગયા
મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઈંધણની કિંમતોમાં વધારાને લઇને ઘણો જ અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ જેવી દિવાળી પર કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી તો TMC ચૂપ થઈ ગઈ. રાહુલ ગાંધી પણ ચૂપ થઈ ગયા. મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલી શિવસેના વેટ ઓછો કરવા માટે વળતરની માંગ કરવા લાગી. એટલે કે 2 જ દિવસમાં BJPએ એક ચાલ રમીને પાસું પલટી દીધું.
VATના બહાને મેસેજ આપવામાં સફળ રહી BJP
એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા બાદ BJP અને NDA શાસિત રાજ્યોએ વેટ ઓછા કરી દીધા. કોંગ્રેસ અને બિન-બીજેપી રાજ્યોએ વેટ ઓછા કરવાની ના કહી દીધી. ત્યારબાદ રાજ્યોમાં લાગતા વેટ પર જે રીતે ચર્ચા થઈ તેનાથી BJPએ એ સંદેશાને સ્પષ્ટ કરી દીધો કે રાજ્ય સરકારો પણ પેટ્રોલ-ડીઝલનો રેટ પોતાના સ્તરે ઓછો કરી શકે છે. સાથે જ પેટ્રોલ અને ડીઝલ ફક્ત કેન્દ્ર સરકારનો નહીં, પરંતુ રાજ્ય સરકારનો પણ ખજાનો ભરે છે.
24 રાજ્યોએ વેટના દરોમાં મૂક્યો કાપ
અત્યાર સુધીમાં 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વેટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, પુડુચેરી, આસામ, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, ગોવા, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ચંદીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને લદ્દાખ સામેલ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં માત્ર પંજાબે જ વેટમાં ઘટાડો કર્યો છે.