- હેલિકોપ્ટર દુર્ઘટના પર રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપ્યું
- રાજનાથ સિંહે તમામ નિધન પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો
- લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
નવી દીલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે નવમો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના કુન્નુરમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટના પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જનરલ બિપિન રાવત તેમના નિર્ધારિત પ્રવાસ પર હતા. બુધવારે સવારે 11.48 કલાકે Mi-17 હેલિકોપ્ટરથી ઉડાન ભરી હતી. 12.08 વાગ્યાની આસપાસ એર ટ્રાફિક કંટ્રોલે તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું. કેટલાક સ્થાનિક લોકોએ આ ઘટનાને જોઇ હતી. આ પછી સ્થાનિક પ્રશાસનની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં 14માંથી 13 લોકોના મોત થયા હતા.
રાજનાથ સિંહે તમામ નિધન પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો
રાજનાથ સિંહે બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્ય અધિકારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને માર્યા ગયેલા તમામ અધિકારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રાજનાથ સિંહે બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું કે એરફોર્સના હેલિકોપ્ટર દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સશસ્ત્ર દળોના જવાનોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છુ.