- ભાવિના મહિલા ટેબલ ટેનિસ સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચી
- ભાવિનાએ રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સર્બિયાની ખેલાડીને હરાવી
- શનિવારે સેમિફાઇનલમાં ભાવિનાનો સામનો ચીનની ઝાંગ મિયા સામે
ન્યૂઝ ડેસ્ક : ભારતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસ સિંગલ્સ ક્લાસ 4ની સેમિફાઇનલમાં પહોંચીને દેશ માટે મેડલની ખાતરી આપી છે. અમદાવાદની 34 વર્ષીય ભાવિનાએ 2016 રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રાન્કોવીને ગેમમાં 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
સેમિફાઈનલમાં ચીનની ઝાંગ મિયા સામે મેચ
પેરાલિમ્પિકમાં ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલેલી મેચમાં રેન્કોવિચને 11-5, 11-6, 11-7થી હરાવી હતી. ભાવિના પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે, જેણે પેરાલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. શનિવારે સેમિફાઇનલમાં ભાવિનાનો સામનો ચીનની ઝાંગ મિયા સામે થશે.
મેડલ સુનિશ્ચિત કરવા બે નોકઆઉટ મેચ જીતી
ગ્રુપ Aની મેચમાં ભાવિનાને ચીનના ઝોઉ યિંગના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તેણે શ્રેષ્ઠ રીતે પુનરાગમન કર્યું અને મેડલ સુનિશ્ચિત કરવા માટે બે નોકઆઉટ મેચ જીતી. ભાવિનાએ અગાઉ 23 મિનિટ સુધી ચાલેલી રાઉન્ડ-ઓફ -16 મેચમાં બ્રાઝિલના જિયોસી ડી ઓલિવિરીયાને 12-10, 13-11, 11-6થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.