ન્યૂઝ ડેસ્કઃ લોકો જમીન પરના સૌથી વિશાળ કદના પ્રાણી હાથીના રક્ષણ તથા તેના જતનનું મહત્વ સમજે, તે હેતુથી દર વર્ષે વર્લ્ડ એલિફન્ટ ડે ઉજવવામાં આવે છે. લોકોને અને સંગઠનોને હાથી સામે રહેલા પડકારો વિશે જાણકારી પૂરી પાડવા આ દિવસ ઉજવાય છે. મોટાભાગે લોકો હાથી પ્રત્યે સ્નેહ દાખવતા આવ્યા છે, તેમ છતાં આ પ્રાણી વિલુપ્ત થવાના આરે આવીને ઊભું છે. હાથીની નબળી સ્થિતિ પાછળ તેમનો આડેધડ કરવામાં આવતો શિકાર અને તેમનું કુદરતી નિવાસસ્થાન છિનવાઇ ગયું હોવા ઉપરાંત આ ભવ્ય પ્રાણી સામે રહેલાં જોખમો પ્રત્યે લોકો દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતા પણ જવાબદાર છે.
ઇતિહાસ
2011માં બે કેનેડિયન ફિલ્મ સર્જક પેટ્રિસિયા સિમ્સ અને થાઇલેન્ડના એલિફન્ટ રિઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા 2011માં પ્રથમ વખત વિશ્વ હાથી દિવસ નિયત કરવામાં આવ્યો હતો અને તેની સૌપ્રથમ ઉજવણી 12મી ઓગસ્ટ, 2012ના રોજ કરવામાં આવી હતી. ફિલ્મ સ્ટાર અને સ્ટાર ટ્રેક લિજેન્ડ વિલિયમ શેટનર દ્વારા આ પહેલનું ઘણું સમર્થન કરવામાં આવ્યું, જેમણે કેદમાં રહેલા એશિયન હાથીઓના જંગલમાં પુનઃવસવાટ વિશેની 30 મિનિટની અદ્ભૂત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ – રિટર્ન ટુ ધી ફોરેસ્ટનું વર્ણન કર્યું.
પ્રથમ વર્લ્ડ એલિફન્ટ ડેનો ઉદ્દેશ વિશ્વભરના માનવ સમુદાયો તથા સંસ્કૃતિઓનું ધ્યાન આ જાજરમાન સજીવની દુર્દશા તરફ દોરવાનો હતો. તેમની આનંદિત અને બુદ્ધિશાળી પ્રકૃતિને કારણે, વિશ્વના જમીન પર વસતાં આ સૌથી વિશાળ પ્રાણીઓને દુનિયાભરમાં પ્રેમ કરવામાં આવે છે. પરંતુ, દુર્ભાગ્યે આ વિલક્ષણ જીવોના અસ્તિત્વ સામે ઘણા ખતરા ઊભા થયા છે.
વર્લ્ડ એલિફન્ટ ડેની ઊજવણી કેવી રીતે કરવામાં આવે છે?
જો સૌપ્રથમ કોઇ કામ આપણે કરી શકીએ તેમ હોય, તો તે છે, વિશ્વ હાથી દિન સંકલ્પ પર હસ્તાક્ષર કરવા. આ દસ્તાવેજના કારણે સરકાર પર તેમની નીતિઓ બદલવા માટે દબાણ લાવવા વિશ્વભરનાં અગણિત લોકો સાથે મળીને દબાણ ઊભું કરી શકીએ છીએ.
આ પ્રાણીઓ જે સમસ્યાઓનો સામનો કરે છે, તેને ઉજાગર કરવી જરૂરી છે અને સોશ્યલ મીડીયા આ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ દિવસે લોકો શિકારીઓ સામે હાથીઓનું રક્ષણ કરવા માટે અથવા તો તેમની જરૂરિયાતોને સાનુકૂળ હોય તેવાં બહેતર સ્થળોએ તેમનું પુનર્વસન કરવા માટે સમર્પિત એક ફાઉન્ડેશનમાં દાન કરે છે. સબ-સહારન આફ્રિકન દેશો તથા ભારતમાં, જ્યાં શહેરો વિસ્તરી રહ્યાં છે, ત્યાં વસ્તીવૃદ્ધિના દબાણને કારણે વર્તમાન સમયમાં આ પૈકીના ઘણા પ્રદેશો ખતરા હેઠળ છે.
હાથીઓની હત્યા અટકાવવા માટે 1997માં ટેન્થ કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ દ્વારા અપનાવાયેલા ઠરાવ 10.10 દ્વારા કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પિશીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા (CITES) દ્વારા MIKE (મોનિટરિંગ ધી ઇલિગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ – હાથીની ગેરકાયદે હત્યા પર દેખરેખ) કાર્યક્રમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. એશિયામાં MIKE કાર્યક્રમમાં ભાગ લેનારાં આશરે 28 સ્થળો 13 દેશોમાં વહેંચાયેલાં છે. તેમાંથી ભારતમાં 10 સ્થળો આવેલાં છે, ત્યાર બાદ કમ્બોડિયામાં બે સ્થળ, ઇન્ડોનેશિયામાં બે, લાઓ પીડીઆરમાં બે, મલયેશિયામાં બે, મ્યાનમારમાં બે, થાઇલેન્ડમાં બે, બાંગ્લાદેશમાં એક, ભુટાનમાં એક, ચીનમાં એક, નેપાળમાં એક, શ્રીલંકામાં એક અને વિએટનામમાં એક સ્થળ આવેલું છે.
હાથી સામેના મુખ્ય પડકારોઃ
- હાથી દાંતનો વેપાર
- તેમના કુદરતી નિવાસસ્થાનનું નિકંદન અને વિખંડન
- ગેરકાયદેસર શિકાર અને વેપાર
- માનવ અને હાથી વચ્ચે સંઘર્ષ
- બંધક બનાવેલા હાથીઓ સાથે દુર્વ્યવહાર
- હાથીની સવારી
આફ્રિકન તથા એશિયન હાથીઓ ઉપર જણાવેલાં જોખમોનો સામનો કરી રહ્યા છે. જોખમનો સામનો કરી રહેલી પ્રજાતિઓના IUCNના રેડ લિસ્ટમાં આફ્રિકન હાથીને ભેદ્ય (વલ્નરેબલ) તરીકે અને એશિયન હાથીને અસ્તિત્વ જોખમમાં હોય તેવી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
જોખમ સામેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ
- હાથી દાંતની બનાવટ ધરાવતા કોઇપણ ઉત્પાદનની ખરીદી કરવી જોઇએ નહીં અને શક્ય હોય ત્યાં સુધી આવા ઉત્પાદનની ખરીદી ટાળવી જોઇએ.
- પિયાનો, એન્ટિક, બંગડી અથવા અન્ય ઉત્પાદનો ખરીદતી વખતે હંમેશા એ સુનિશ્ચિત કરો કે, ઉત્પાદકે તે ઉત્પાદન બનાવવાની પ્રક્રિયામાં હાથી દાંતનો ઉપયોગ નથી કર્યો.
- ગેરકાયદે શિકાર અટકાવવા માટે અમલીકરણની નીતિઓમાં સુધારો કરવો.
- હાથી દાંતનો ગેરકાયદેસર વેપાર અટકાવવા માટેનાં પગલાંમાં સુધારો કરવો
- હાથીઓના કુદરતી નિવવાસસ્થાનનું સંરક્ષણ કરવું.
- કેદ કરાયેલા હાથીઓ સાથે બહેતર વ્યવહાર કરવો.
- વિશ્વભરમાં આવેલાં અભયારણ્યોનું રક્ષણ કરવું તે હાથીના સંરક્ષણ માટેનાં ઘણાં સંગઠનોનું લક્ષ્ય છે.
- કોવિડના સમયમાં હાથીનો સંઘર્ષ
લોકડાઉન લાગુ થયું, ત્યારથી દેશભરના બંધનમાં રખાયેલા હાથી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ મહામારીએ ખાનગી સ્તરે બંધનમાં રાખવામાં આવતા હાથીની આડેધડ અને વ્યાવસાયિક વ્યવસ્થા પર પ્રકાશ પાડ્યો છે. મોટાભાગના હાથીઓનો ઉપયોગ કાં તો ધાર્મિક સંસ્થાઓમાં આશીર્વાદ મેળવવા માટે અથવા તો પ્રવાસીઓને સવારી કરાવવા માટે થાય છે. જ્યારે આ બંને હેતુઓ સર ન થાય, ત્યારે હાથીઓએ ભૂખમરાનો સામનો કરવો પડે છે.
જ્યારથી લોકડાઉન લાગુ થયું, ત્યારથી સોશ્યલ મીડીયા પર ઘણા અહેવાલો વહેતા થયા છે અને ભૂખે મરી રહેલા હાથીઓને આહાર આપવા માટે દાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. તેના કેટલાંક દ્રષ્ટાંતો આ પ્રમાણે છેઃ
કર્ણાટકમાં એક મહાવતે કેમેરા સામે જણાવ્યું હતું કે, લોકડાઉન લાગુ થયું ત્યારથી તેના 55 વર્ષના બંધક હાથીને ભોજન મળ્યું નથી.
મુઢોલ જિલ્લાના એક મંદિરનો હાથી છેલ્લાં 40 વર્ષથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા ગોળ, શેરડી, ફળો અને અનાજ પર નભી રહ્યો હતો. પરંતુ લોકડાઉન લાગુ થતાં હાથીને મંદિરની બહાર નીકાળી શકાતો નથી અને મંદિરમાં ઘાસચારો પૂરો થઇ ગયો છે.
ગોવાના જંગલ બુક રિઝોર્ટના માલિક જોસેફ બર્રેટો પાસે પાંચ હાથી છે, જેમનો ઉપયોગ પ્રવાસીઓની સવારી માટે તથા તેમના પર ‘વર્ષા’ કરવા માટે કરવામાં આવે છે. જોસેફે તેમના ‘ભૂખે મરી રહેલા હાથીઓ’ માટે દાનની માગણી કરતો વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો.