નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ રાજા રજવાડાના સમયમાં મહારાણા પ્રતાપ અને તેમના સૈનિકો માટે અસ્ત્રો અને શસ્ત્રો બનાવવાનું કામ કરતા ગાડિયા લુહાર સમુદાયની મહિલાઓ હવે લદ્દાખની ગલવાન ખીણમાં તૈનાત ભારતીય સેનાના બહાદુર જવાનો માટે પોતાના હાથથી રાખડી બનાવી તેમના રક્ષણની કામના કરશે.
મહારાણા પ્રતાપના સમયમાં આ સમુદાયના લોકો ગાડામાં રહેતા અને લુહારકામ કરતા, આથી તેમનું નામ ગાડિયા લુહાર પડી ગયું. મહારાણા પ્રતાપની સેના માટે તેઓ તલવારો, ઢાલ, ઘોડાની નાળ જેવા અનેક શસ્ત્રો બનાવતા.
આ સમુદાયના ઇતિહાસ સાથે અનેક રસપ્રદ વાતો જોડાયેલી છે. મહારાણા પ્રતાપ જ્યારે મુગલો સામે લડી રહ્યા હતા અને મેવાડ મુગલોના કબજામાં આવી ગયું હતું ત્યારે આ સમાજના લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મહારાણા પ્રતાપ ફરી મેવાડની રાજગાદી પર નહી બેસે ત્યાં સુધી તેઓ સતત ભ્રમણ કરતા રહેશે અને પોતાની માતૃભૂમિ પર પાછા ફરશે નહી. ત્યારથી લઇને આજ સુધી આ સમાજના લોકો આ પ્રતિજ્ઞા પાળી રહ્યા છે અને તેમના વતન પરત ફર્યા નથી.
પૂર્વ દિલ્હીના નંદનગરી વિસ્તારમાં સૈનિકો માટે રાખડી બનાવતી આ મહિલાઓને સેવા ભારતી સંસ્થાન દ્વારા રાખડી બનાવવા માટેની તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ કુલ 5000 જેટલી રાખડીઓ સરહદ પર મોકલશે. આ સમુદાયના લોકો પાસે અન્ય કોઈ રોજગાર નથી આથી તેમને સતત ભ્રમણ કરતા રહેવું પડે છે.