નાગાલેન્ડમાં 'શસ્ત્ર ટોળકીઓ'ને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી છે અને મોટા પ્રમાણમાં ખંડણી ઉઘરાવાઈ રહી છે તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. આવી સ્થિતિનો ઉલ્લેખ કરીને રાજ્યપાલે જણાવ્યું કે તેઓ સિનિયર સરકારી અમલદારોની નિણૂકની સત્તા સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લેવા માગે છે.
આ પત્રને કારણે જુદા જુદા વર્ગોમાંથી અને પક્ષોમાંથી ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલિમ (NSCN-IM)ના ઇસાક-મુવૈયા જૂથે બિન્ધાસ્ત એવો જવાબ આપ્યો કે તે લોકો માત્ર “કાયદેસરના વેરા” જ ઉઘરાવી રહ્યા છે. બીજા જૂથોએ વળી એવું કહ્યું કે તે લોકો માત્ર “ફાળો” ઉઘરાવી રહ્યા છે.
રાજ્યપાલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે રાજ્યમાં “અડધો ડઝનથી વધુ સંગઠિત સશસ્ત્ર ટોળકીઓ” છે જે લોકો પર વેરા નાખી રહી છે. આમાંના મોટા ભાગના જૂથો NSCNમાંથી છુટ્ટા પડેલા જૂથો છે. 1975માં શિલોંગ કરાર કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં 1980થી જૂથો જુદા પડીને શસ્ત્રો ઉઠાવી રહ્યા છે.
હકીકતમાં નાગાલેન્ડમાં આ સશસ્ત્ર જૂથો સમાંતર જૂથો જ ચલાવી રહ્યા છે. નાગાલેન્ડ ઉપરાંત મ્યાનમારમાં આવેલા નાગા વિસ્તારોમાં પણ દાયકાથી આ જૂથોનું જ જોર ચાલે છે. જૂથોના માણસો કે વચેટિયાઓ બાકાયદા વેપારીઓ પાસેથી ઉઘરાણા કરે છે અને તેની રસીદો પણ આપે છે.
પરંતુ આ તબક્કે રાજ્યપાલ આર. એન. રવિએ શા માટે મુખ્ય પ્રધાનને પત્ર લખવો પડ્યો.?
શું કોવીડ-19ની અસર?
નાગાલેન્ડના ઘણા લોકોને લાગે છે કે બંડખોરોએ હાલમાં હાઇવે પરથી પસાર થતા વાહનો પાસેથી લેવાતો ‘વેરો’ વધારી દીધો છે. છેલ્લા ત્રણ મહિનાથી વધારે નાણાં પડાવવામાં આવી રહ્યા છે. આવા ઉઘરાણાં કરવામાં સંડોવાયેલા ઘણા લોકોની પોલીસે હાલમાં ધરપકડો પણ કરી છે.
સરકાર નવેસરથી કરાર કરવાની છે તેવી વાતો ગયા વર્ષે વહેતી થઈ તે પછી આ જૂથોએ વધુ માણસોની ભરતી કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી તેમને સાચવવાનો ખર્ચ તેમને વધી પડ્યો છે. વધુ યુવાનોને ભરતી કરી દેવાઈ હતી, કેમ કે એવી આશા હતી કે સમાધાન થાય ત્યારે આ યુવાનોને પોલીસ કે નાગા રેજિમેન્ટમાં સમાવી લેવાનો કરાર થશે.
સરકાર પાસેથી વધારેમાં વધારે લાભ પડાવી લેવા માટે જૂથો પોતાના માણસો વધારવા માગતા હતા. ભૂતકાળમાં પણ કરાર થવાનો હતો ત્યારે આવું જ થયું હતું. 1992માં આસામ સરકારે નકલી યાદીઓ તૈયાર કરી હતી. તેમાં એવા લોકોના નામો ઘૂસાડી દેવામાં આવ્યા હતા કે જેઓ ક્યારે શરણે આવેલા ઉલ્ફા કે બંડખોરો જૂથોમાં નહોતા.
ગયા વર્ષે 25 નવેમ્બરે અખબારી અહેવાલો હતા કે આસામ રાઇફલે NSCN (IM) દ્વારા ખાનગીમાં થઈ રહેલી ભરતીને પકડી પાડીને અટકાવી હતી. મોન જિલ્લાનો આ એક ભરતી મેળો પકડાઈ ગયો હતો, પણ બીજા જૂથો ભરતી કરતા જ રહ્યા છે.