નવી દિલ્હી: ચીફ સાયબર સિક્યુરિટી ઓફિસર કર્નલ ઇન્દ્રજિતે ઇટીવી ભારત સાથે વિવિધ સ્ત્રોતોના સમાચારો મેળવવા વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પરંપરાગત રીતે આપણે વિશ્વસનીય સ્રોતો, પત્રકારો અને મીડિયા આઉટલેટ્સના સમાચાર મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. જો કે, ઇન્ટરનેટ દ્વારા માહિતી અને સમાચારને ખૂબ ઓછા નિયમો અથવા સંપાદકીય ધોરણો સાથે પ્રકાશિત અને શેર કરવા માટે એક નવી રીત બનાવવામાં આવી છે.
સમાચાર માટે હવે ઘણા લોકો સોશ્યિલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ કરે છે. તે આર્ટિકલ, સમાચાર અથવા કહાનીઓની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. મોટાભાગે માહિતી ઓવરલોડ અને ઇન્ટરનેટ કેવી રીતે બનાવટી સમાચાર બનાવે છે તેના વિશે સમજનો અભાવ,તેને વાઈરલ કરે છે. આવા સમાચારોની પહોંચ વધારવામાં સોશ્યિલ મીડિયાની મુખ્ય ભૂમિકા છે. સોશ્યિલ મીડિયા પર ખોટી માહિતીનો પ્રસાર કરવો એ નફાકારક વ્યવસાય હોઈ શકે છે, જે પ્રકાશકો માટે જાહેરાતની આવક પેદા કરે છે. જેના કારણે વાઈરલ ન્યૂઝ પ્રકાશિત થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) હવે મોટા પાયે બનાવટને સક્ષમ કરે છે, જેને 'ડીપફેક' તરીકે ઓળખવામાં આવે છે.
ડીપફેક ડિજિટલ વીડિયો, મશીન લર્નિંગ અને ફેસ સ્વેપિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ફેક વીડિયો હોય છે. ડીપફેક એ કમ્પ્યુટરથી બનેલા ખોટા વીડિયો હોય છે, જેમાં નવા ફૂટેજ બનાવવા માટે છબીઓ મિશ્રિત કરવામાં આવે છે. તે ઘટનાઓ, નિવેદનો અને ક્રિયાઓ દર્શાવે છે જે ખરેખર ક્યારેય થયા નથી હોતા.