ઉતર પ્રદેશની ઉન્નાવ સીટ લોકસભા ચૂંટણીમાં અલગ જ ખાસિયત ધરાવે છે. કાનપુર શહેરથી નજીક હોવાને કારણે ઉન્નાવ ચામડાના કારોબાર માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. એક સમયે આ વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ તરીકે માનવામાં આવતો હતો. સમય જતા આ સીટ પર ભાજપે ફક્ત અહીં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીએ સાક્ષી મહારાજને ઉતારીને અહીં ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો.
ઉન્નાવ સંસદીય બેઠકની વાત કરીએ તો આઝાદી બાદ અત્યાર સુધીમાં 16 વખત લોકસભા ચૂંટણી તેમજ એક વખત પેટા ચૂંટણી થઈ છે. જેમાંથી 9 વખત કોંગ્રેસ ચૂંટણી જીતવામાં સફળ રહી છે, તો 4 વખત BJP એ જીત હાંસલ કરી છે. સપા, બસપા અને જનતા પાર્ટી એક-એક વખત ચૂંટણી જીતવામાં સફળ રહી છે.
ઉન્નાવ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1952માં ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના વિશ્વંભર દયાલ ત્રિપાઠી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ 1971 સુધી સતત 6 વખત જીત્યા બાદ 1977 માં જનતા પાર્ટીના હાથે થાપ ખાઈ ગઈ. જનતા પાર્ટીના રાધવેન્દ્ર સિંહ જીતીને સાંસદ પહોચ્યા હતા. જો કે, 1980ની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી વાપસી કરી અને 1984 માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં આ બેઠક પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.