જમ્મુ (જમ્મુ-કાશ્મીર)- જ્યારે કલમ 370 અને 35એને નાબૂદ કરવામાં આવી ત્યારે NDA સરકારે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના વિકાસનો પાયો નાંખવામાં આવ્યો છે અને આ પ્રદેશનો વિકાસ બહુ જલ્દી થશે. એક વર્ષ પછી એવા લોકો જેમણે કલમ 370 અને 35-એના કેન્દ્રના પગલાને સમર્થન આપ્યું હતું, હવે તેઓ 'નિરાશાજનક' પરિણામ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
મોદી સરકારે દલીલ કરી હતી કે, આર્ટિકલ 370 અને 35-એ જમ્મુ-કાશ્મીરના સામાજિક-આર્થિક વિકાસ માટે અવરોધ છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોથી હિંસાગ્રસ્ત ઘાટીમાં શાંતિ અને સુલેહની પુનઃસ્થાપના કરવામાં મદદ મળશે.
વિશેષ દરજ્જો રદ થયાના 1 વર્ષ પછી જમ્મુમાં અશાંતિ મોદી સરકારે, 2020-21ના બજેટમાં જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે 30,757 કરોડ અને લદાખ માટે 5,958 કરોડ ફાળવ્યા હતા. મોટાભાગના વિશ્લેષકો માને છે કે યુટી માટે આ ફાળવણી સામાન્ય છે. યુટીના આર્થિક વિકાસ માટે આ બહુ ગૌણ છે. આમ, તે સંકેત આપે છે કે કેન્દ્રશાસિત પ્રદેશોના આર્થિક વિકાસને લગતા પોતાનાં વચનો પૂરા કરવા માટે સરકાર ગંભીર નહીં હોય.
મોહિન્દર જીતસિંહે નામના એક યુવાને ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "આર્ટિકલ 370 અને 35-એ રદ કરવાથી ફક્ત આર્થિક સમસ્યા ઉભી થઈ છે. ભાજપ સરકારે જમ્મુની જનતાને વચન આપ્યું હતું કે, આ પગલું તેમના જીવનમાં સમૃદ્ધિ લાવશે. પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પરિસ્થિતિ સૌથી ખરાબ છે. બેરોજગારી ખૂબ વધી છે. ઉજ્જવળ ભાવિના આકર્ષક સપના માત્ર ભ્રમણા સાબિત થયા હોય તેવું લાગે છે. સરકાર ફક્ત બહારના લોકોને તેમને રહેવાસી સર્ટિફિકેટ આપીને ખુશ કરી રહી છે, જ્યારે જમ્મુના પ્રાથમિક રહેવાસીઓની વાત છે તો તેમને દયનીય સ્થિતિ સામનો કરવો પડી રહ્યો છે."
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ શેખ બશીર અહમદે કહ્યું હતું કે, "તેઓએ 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરને બરબાદ કરી દીધું છે. છેલ્લા બે વર્ષથી બેકારી વધી ગઈ છે અને વેપાર પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે. તેઓએ અહીં લોકશાહી સંસ્થાઓને પણ તોડી નાખી છે. મોદી સરકારે તેના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને એમ કહીને તેને એક સિદ્ધિ જાહેર કરી છે કે, એક મહાન કાર્ય કર્યું છે. જે છેલ્લા સિત્તેર વર્ષોમાં કોઈ કરી શક્યું નથી. પરંતુ હકીકત એ છે કે છેલ્લા 70 વર્ષમાં અર્જિત કરેલું બધું ગુમાવી દીધું છે."
સ્થાનિક રાજકીય જૂથ ઇક્ક જુટ્ટ જમ્મુ (યુનાઇટેડ જમ્મુ)ના પ્રમુખ એડ્વોકેટ અંકુર શર્માએ જણાવ્યું હતું કે, "અમે ગયા વર્ષે ભારત સરકારના પગલાની ઉજવણી કરી હતી. કારણ કે અમને આશા હતી કે, આ સુધારાથી કાશ્મીર કેન્દ્રિત રાજકારણનો યુગ સમાપ્ત થઈ જશે અને જમ્મુના લોકોને તેમના રાજકીય અને વિકાસના અધિકાર મળવાનું શરૂ થશે. હવે, એક વર્ષ પસાર થઈ ગયા છે અને હજુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોયો નથી. અમે છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યાં છીએ.
શિવસેના નેતા મનીષ સાહનીએ કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કર્યા પછી અમે સમૃદ્ધિની અપેક્ષા રાખતા હતા. પણ લાગે છે કે, ભાજપે અમારી આશા પર પાણી ફેરવી દીધું છે અને અમારા સપનાઓને ઠેસ પહોંચાડી છે. જમ્મુની જનતાએ આ અંગે સરકારને ટેકો આપ્યો હતો. કારણ કે વિકાસ અને સમૃદ્ધિને લગતા ઘણાં વચનો અમને આપ્યાં હતાં, પરંતુ હવે લાગે છે કે અમારી સાથે દગો થયો છે. અમને હજુ પણ આશા છે કે ભાજપ સરકાર UTને વિનાશના માર્ગમાંથી પાછું લાવશે. તેને વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પર લાવવા પગલાં લેશે"