પટના/નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે સુશાંતના પિતા કે.કે.સિંઘે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં મુંબઈ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે.
કે.કે.સિંઘે વીડિયો જાહેર કરતાં કહ્યું કે, '25 ફેબ્રુઆરીએ મેં બાંદ્રા પોલીસને ચેતવણી આપી હતી કે મારા પુત્રની જિંદગી જોખમમાં છે, 14 જૂને જ્યારે મારા પુત્રનું અવસાન થયું, ત્યારે અમે 25 ફેબ્રુઆરીના રોજ અમુક લોકો સામે કાર્યવાહી કરવાનું કહ્યું, પરંતુ તેમછંતા 40 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આ પછી હું પટના ગયો અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. પટના પોલીસ તાત્કાલિક એકશનમાં આવી ગઈ હતી. પરંતુ ગુનેગારો હવે ભાગવા લાગ્યા છે.
સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ તેના પુત્રને છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લગાવીને પટનામાં એફઆઇઆર નોંધાવી હતી. અભિનેતાના મૃત્યુ પહેલા સુશાંત અને રિયા સંબંધમાં હતા. સુશાંતના પિતાએ રિયા પર ઘણા આરોપો લગાવ્યા છે, જેમાં તેમના પુત્ર પાસેથી પૈસા લેવાની અને મીડિયાને તેની મેડિકલ રિપોર્ટને ખુલાસો કરવાની ધમકી આપવાની પણ સામેલ છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતને તેનાથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી રિયા ચક્રવર્તીના ગુમ થયાના અહેવાલો પછી, તેના વકીલે કહ્યું છે કે તે ફરાર થઇ નથી. અભિનેત્રીના વકીલે કહ્યું, 'બિહાર પોલીસની રિયા ચક્રવર્તી ગુમ છે, તે દલીલ યોગ્ય નથી. તેમનું નિવેદન મુંબઈ પોલીસે નોંધ્યું છે. તેણે પોલીસને સહકાર આપ્યો છે અને જ્યારે પણ તેને બોલાવવામાં આવી છે ત્યારે તે ગઈ હતી.
રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસને મુંબઈના જ્યૂરિડિક્શનમાં લાવવો જોઇએ. સુપ્રીમ કોર્ટનો આદેશ ના આવે ત્યાં સુધી આ મામલે કંઇ થઈ શકે નહીં.