તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, વિશ્વ ભરમાં આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે ખાસ કરીને ભારતમાં બાળકોની એક આખી પેઢીને આપત્તિઓ સહન કરવી પડશે. તેમાં વધુમાં કહેવાયું છે કે, જો જીવાશ્મિમાંથી બનતા ઈંધણનો ઉપયોગ અને વૈશ્વિક તાપમાનને કાબૂ નહીં કરાય તો ખોરાકની અછત, રોગચાળો, પૂર અને ગરમ હવાઓ જોર પકડશે. આ તથ્યો આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ‘લેન્સેટ’ કાઉન્ટડાઉનના છે. જે દર વર્ષે 41 મહત્ત્વના સૂચકો પર પ્રગતિની ભાળ મેળવીને કરાતું વિશ્લેષણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બૅન્ક સાથે 35 અન્ય સંગઠનોના 120 નિષ્ણાતોએ આ વિશ્લેષણમાં ભાગ લીધો છે. અહેવાલ જાણિતી વિજ્ઞાન જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત થયો છે.
આબોહવા પરિવર્તન પર થયેલી પેરિસ સમજૂતી મુજબ જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નહીં થાય તો આવનારી પેઢીઓ તેમની કોઈ ભૂલ વગર સહન કરશે. અત્યારે આ અસર બાળકો અને શિશુઓ પર થશે તેમ કહેવાય છે. જો અત્યારની જેમ જ કાર્બન ઉત્સર્જન ચાલુ રહેશે તો બાળકોની વર્તમાન પેઢી તેઓ 71 વર્ષના થાય ત્યાં સુધીમાં વૈશ્વિક ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોશે. તાપમાનમાં વધારો અને વરસાદની બદલાયેલી ઢબથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના અનિયંત્રિત બનાવો બનશે. આજે વિશ્વની અડધી વસતિ આ રોગોની ઝપટમાં આવવાના જોખમનો સામનો કરી રહી છે. ફેફસા, હૃદય અને ચેતાને લગતી બીમારીઓનું જોખમ પણ વધશે. ગત ત્રણ દાયકામાં, બાળકોમાં ઝાડાના ચેપનો ગાળો બમણો થઈ ગયો છે.