ઈઝરાઈલની સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉપગ્રહ 'ડુશિફા-3'ના ઈસરોના શ્રીહરિકોટા કેન્દ્ર પરથી લોન્ચ માટે આગામી અઠવાડિયે ભારત આવશે. આ ઉપગ્રહને PSLV C-48 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
દક્ષિણ ઈઝરાઈલના શઆર હાનેગેવ સ્કૂલના 17-18 વર્ષીય વિદ્યાર્થી એલોન એબ્રોમોવિચ, મેતાવ એસુલિન અને શ્મ્યૂલ અવીવી લેવી સોમવારે સાંજે ભારત આવવા માટે નીકળશે અને 11 ડિસેમ્બરે ઉપગ્રહનું લોન્ચ કરવામાં આવશે.
'ડુશિફા-3' વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો ત્રીજો ઉપગ્રહ છે.
આ ઉપગ્રહ, હર્જલિયા સાઈન્સ સેન્ટર અને શાર હનેગેવ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રૂપે બનાવવામાં આવ્યો છે. ઉપગ્રહ સમગ્ર દેશના બાળકોને 'પૃથ્વીથી પરિચિત' કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
પરિયોજનામાં મદદરૂપ થનારા અને ICA ફાઉન્ડેશનના પ્રમુખ જીવ મિલરે જણાવ્યું કે, આ એક ફોટો સેટેલાઈટ છે, જેનો ઉપયોગ અવકાશથી પૃથ્વીના ઇકોલોજી પર સંશોધન કરવા માટે થાય છે.
ઉપગ્રહનો આકાર 10x10x30 સેમી અને વજન 2.3 કિલોગ્રામ છે. વિદ્યાર્થીઓએ આને બનાવવા માટે અંદાજે દોઢ વર્ષ કામ કર્યું છે. ઉપગ્રહ ખેડૂતોને સારી રીતે મદદ કરશે.