સમાજમાં આપત્તિ આવે ત્યારે તેનો સામનો કરવા માટે લોકોને સહાયરૂપ થવામાં સ્વંયસેવી સંસ્થાઓની અગત્યની ભૂમિકા હોય છે. કોરોના સંકટને કારણે તે વાત ફરી એક વાર સાબિત થઈ છે. સરકારે પોતે પણ હાલમાં આ વાત સ્વીકારી. બે સામાજિક કાર્યકરોએ સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી લેવાયેલા રાહતનાં પગલાં સામે અરજી કરી ત્યારે આ વાતનો સ્વીકાર કરાયો હતો. લૉકડાઉન દરમિયાન જુદી જુદી રાજ્ય સરકારોએ દેશભરના 578 જિલ્લાઓમાં 22,547 જેટલી રાહત છાવણીઓ ઊભી કરી છે. તેમાંથી 4,000 સહાય કેન્દ્રો જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલે છે, એમ સરકારે જવાબમાં જણાવ્યું હતું. લૉકડાઉન દરમિયાન જુદી જુદી સરકારોએ 54 લાખ પ્રવાસી શ્રમિકોને ભોજન પૂરું પાડ્યું, તો 30 લાખ જેટલા રોજમદારોની સંભાળ જુદી જુદી સંસ્થાઓએ લીધી હતી.
અહેવાલમાં જણાવાયું હતું કે લાખો લોકોને ભોજન પૂરું પડાયું છે. તેમાં દેશભરમાં દાનવીર સંસ્થાઓએ સક્રિય ભૂમિકા ભજવી છે. 13 રાજ્યોમાં શ્રમિકોને ભોજન પૂરું પાડવા માટે સંસ્થાઓ કાર્યરત કરી હતી. સરકારે અહેવાલમાં જણાવ્યું કે ગુજરાત, મિઝોરમ, કેરળ અને તેલુગુ રાજ્યોમાં એનજીઓ કામગીરી કરતી રહી હતી. આ રીતે ફરી એક વાર સાબિત થયું કે સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સરકાર પછી સૌથી અગત્યની ભૂમિકા ભજવી રહી છે. કુદરતી આપત્તિ આવે, વાવાઝોડું, ધરતીકંપ, દુકાળ, પૂર કે આગ લાગે અને રોચગાળો ફાટી નીકળે ત્યારે સરકારની સાથો સાથ આ સંસ્થાઓ લોકોની વહારે દોડતી હોય છે.
સેવા પ્રમાણે નોકરી
નવી દિલ્હીની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ (CSO)ના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ 30 લાખ સંસ્થાઓ છે. શહેરી વિસ્તારોમાં દર એક હજારે ચાર સેવાભાવી સંગઠન છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં હજારની વસતિએ બે સેવાભાવી મંડળો કામ કરે છે. સામાજિક વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવતી એનજીઓ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. એનજીઓ બદલાતા સમય પ્રમાણે પરિવર્તન લાવવા માટે સરકારને સલાહ આપવાનું પણ કામ કરે છે. સવાલો જગાવવા, વહિવટમાં પારદર્શિતા વધારવી, કાયદો તૈયાર કરવા માટે માહિતી પૂરી પાડવી, વહિવટી તંત્રમાં ભૂલો હોય તેના તરફ ધ્યાન દોરવું વગેરે સ્વંયસેવી સંસ્થાઓના મુખ્ય હેતુઓ હોય છે.
કામના સ્થળે થતી જાતીય સતામણીની બાબતમાં 'વિશાખા ગાઇડલાઇન', પર્યાવરણની રક્ષા અને જૈવિક સંતુલન માટે 'સમતા જજમેન્ટ', ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે આઈપીસીની કલમ 377 હટાવવા માટે સુપ્રીમ કોર્ટે આપેલો આદશે, માહિતીના અધિકારનો કાયદો, લોકપાલ બીલ વગેરે કેટલીક બાબતો એનજીઓ દ્વારા ચાલેલા આંદોલનોને કારણે જ શક્ય બન્યા છે. આ સંસ્થાઓ સામાજિક વિકાસનું કાર્ય કરવા સાથે ઘણા નાગરિકોને નોકરી આપવાનું પણ કામ કરે છે.