જયપુરઃ રાજસ્થાનની રાજકીય રામાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી, ત્યાં હોર્સ ટ્રેડિંગ મુદ્દા એક ઓડિયો વાયરલ થયો છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો આ ઓડિયો સામે આવ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપ નેતા સંજય જૈન વિરુદ્ધ કેસ કર્યો હતો. હાલ સંજય જૈનની ધરપકડ પણ કરાઈ છે. આ અંગે કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ ફરિયાદ કરી હતી. જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.
સંજય જૈન ઉર્ફ સંજય બરડિયા બીકાનેરના લૂણકરણસર વિસ્તારના છે. જે લગભગ 20 વર્ષ પહેલા જયપુર શિફ્ટ થયા હતા. સરદારશહરના એક મોટા વેપારી ઘરાના સાથે તેમના સંબંધ છે. હોટલના બિઝનેસ સાથે જોડાયેલા હોવાના કારણે નેતાઓ, ઘણા IAS અને IPS પણ સંપર્કમાં છે. ઓડિયોની તપાસ કરી રહેલી રાજસ્થાન SOG માનેસરના ITC રિસોર્ટ પહોંચ્યા હતાં, ત્યાં સચિન પાયલટ છાવણીના કોંગ્રેસના ધારાસભ્ય રોકાયેલા છે. જો કે, હરિયાણા પોલીસે અગાઉ SOG ટીમને હોટેલમાં દાખલ થતા અટકાવી હતી. બાદ પોલીસે તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જ SOGને હોટેલમાં દાખલ થવા દીધી હતી. જેથી હોટેલની આજુબાજુ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી ગોઠવાઈ ગયાં હતાં.
હવે SOGની ટીમ ઓડિયો વિશે પુછ પરછ કરી શકે છે. જો કે, કોર્ટમાં ધારાસભ્યોના વોઈસ સેમ્પલ માટે પણ અપીલ કરવામાં આવી શકે છે. જેથી ઓડિયોની વાસ્તવિકતા ખબર આવી શકે. આ સમગ્ર કાર્યવાહી કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીની ફરિયાદ બાદ કરવામાં આવી રહી છે. જો કે, શેખાવતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ ઓડિયો ટેપમાં મારો અવાજ નથી. હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું. આ સાથે જ રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, રાજ્યના રાજકારણમાં જે થઈ રહ્યું છે, તે શરમજનક છે. મુખ્યપ્રધાનની ઓફિસના ફેક ઓડિયો દ્વારા નેતાઓની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.