નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે તેલંગાણા સરકાર અને અન્ય લોકો પાસેથી હૈદરાબાદમાં કાર્યસ્થળ પર કથિત હેરાનગતિના કારણે BHELની મહિલા અધિકારીની આત્મહત્યા કરવાના મામલાની તપાસ સોંપવા માટે દાખલ કરેલી અરજી પર જવાબ માંગ્યો છે.
ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલર અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે તમિલનાડુ સરકારને વીડિયો કોન્ફરન્સ દ્વારા મૃત મહિલા અધિકારીની માતાની અરજી પર સુનાવણી કરતા નોટિસ ફટકારી છે. ખંડપીઠે તેલંગાણા પોલીસ અને અન્ય લોકોને પણ નોટિસ ફટકારી છે.
ખંડપીઠે તેના આદેશમાં કહ્યું છે કે, 'નોટિસ ફટકારવામાં આવી છે. જેનો જવાબ ત્રણ અઠવાડિયામાં આપવો પડશે.’
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેની પુત્રી હૈદરાબાદમાં ભેલની ઑફિસમાં કામ કરતી હતી. એક વરિષ્ઠ અધિકારી અને કેટલાક સાથીઓએ જાતીય સતામણી કરી હતી અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો, જેના પગલે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે આત્મહત્યા કરી હતી.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રાજ્ય પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. તેથી, આ કેસ સીબીઆઈ અથવા અન્ય કોઈ સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવામાં આવે.