મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કટાક્ષ કર્યો છે અને તેમણે દેવેન્દ્ર ફડણવીસને વિરોધ પક્ષના નેતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી.
સંજય રાઉતનો ફડણવીસ પર કટાક્ષ, વિરોધ પક્ષના નેતા બનવા બદલ પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કર્યો છે. ઠાકરેના શપથ ગ્રહણ બાદ રાઉતે ફડણવીસને કટાક્ષભર્યા શબ્દોમાં વિરોધ પક્ષના નેતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી.
સંજય રાઉતે ગતરોજ ટ્વીટ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા એક નિવંદન અંગે કટાક્ષ કર્યો હતો. જેમાં ફડણવીસે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ તેનું અસ્તિત્વ ગુમાવી ચુક્યો છે. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ જ નહીં રહે'. રાઉતે કહ્યું કે, આવું નિવેદન કરનારા દેવેન્દ્ર ફડણવીસને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.
આપને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ શિવાજી મહારાજને પ્રણામ કરીને મરાઠી ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા. ઠાકરે પરિવારમાંથી મુખ્યપ્રધાન બનનારા ઉદ્ધવ પ્રથમ વ્યક્તિ છે.