લોકસભા ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થઈ છે. કેટલાક મોટા નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તો કેટલાક નેતાઓના રિસામણા-મનામણા ચાલી રહ્યાં છે. મધ્યપ્રદેશનાં પ્રદેશ અધ્યક્ષનો વિવાદ હજુ તાજેતરનો છે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર અને ઉર્મિલા માતોડકરે પણ પાર્ટીને અલવિદા કહ્યું છે.
Etv Bharatના સંવાદદાતાની સંદિપ દીક્ષિત સાથેની વાતચીત વિવાદોનો મધપૂડો બની ગયેલી કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ અંગે ETV BHARATએ દિલ્હીનાં પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસ નેતા સંદિપ દીક્ષિત સાથે વાત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને આવ્યા પછી આ વાતચીત થઈ હતી. કોંગ્રેસમાં આટલી ભાગદોડ કેમ છે? તેના જવાબમાં દીક્ષિતે જણાવ્યુ હતું કે, 'કોઈ ભાગદોડ નથી. આવું તો ચાલતુ રહે છે.' તેઓએ ભાજપ પર શાબ્દીક પ્રહાર કરતાં કહ્યુ કે,' ભાજપ વેપારીઓની પાર્ટી છે. તેઓ દરેક વસ્તુઓનો વેપાર કરે છે. ક્યારેક ભગવાનનો, ક્યારેક નેતાઓનો. ભાજપ વિચારધારાઓનો પણ વેપાર કરે છે, પરંતુ કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસમાં પણ જે લોકો વ્યાપાર માટે જોડાયા હતાં. આજે તેમને સારી નોકરી મળી રહી છે એટલે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિચારધારાવાળા હશે તે લોકો કોંગ્રેસમાં રહેશે જે લોકોને વેપાર કરવો હશે તે જશે.'
સંદિપ દીક્ષિતે ઉર્મિલા માતોડકર તેમજ મધ્યપ્રદેશના વિવાદ અંગે પણ મત વ્યક્ત કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે,' કોંગ્રેસ મોટો પક્ષ છે. કોંગ્રેસમાં પ્રજાની વચ્ચે રહેતા લોકોની સંખ્યા વધારે છે. એટલે નિર્ણય લેવામાં વાર લાગી શકે. કોંગ્રેસમાં કોઈપણ કંઈ બનવા નથી આવતું. આ એક વિચારધારાનો પક્ષ છે. કોંગ્રેસને પુનર્જીવિત થવાનો સવાલ છે.'