ન્યૂઝ ડેસ્ક :થોડાં વર્ષો પહેલાં ડિજિટલ ટૅક્નૉલૉજીના લાભો ધનાઢ્ય લોકો માટે પણ વિલાસિતાની બાબત હતી પણ હવે પ્રચંડ જનસમૂહ માટે તે સરળતાથી પ્રાપ્ય છે. ઝડપથી બદલાઈ રહેલી ટૅક્નૉલૉજી માટે પ્રણાલિઓનો સતત વિકાસ, ઝડપી અને પૂરતા નિયંત્રણકારી પ્રતિભાવો અને નિર્માણ ક્ષમતા જરૂરી છે જેથી ઉભરતા પડકારોને પહોંચી શકાય.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આગમન માત્ર વધી રહેલું પરિવર્તન જ નથી પરંતુ ટૅક્નૉલૉજી ક્ષિતિજ પર મોટો નમૂનેદાર બદલાવ છે જેને સંપૂર્ણતામાં જ જોવો જોઈએ અને માનવતાની સુખાકારી માટે તેને પોષવો જોઈએ.
કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માટે ડેટા એ પાયાનો નિર્માણ પથ્થર છે. ૭૦ કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો, ૧.૨૧ અબજ ફૉન વપરાશકારો અને ૧.૨૬ અબજ આધાર વપરાશકારો સાથે ભારત પ્રતિ દિન પ્રચૂર પ્રમાણમાં ડેટા ઊભો કરે છે. વિશ્વની મોટી ઇન્ટરનેટ કંપનીઓ પૈકીની કેટલીક માટે ભારત સૌથી મોટો વપરાશકાર આધાર છે. ભારત વિશ્વમાં સૌથી પોષણક્ષમ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે. વિશ્વમાં પોતાની કુશળતા સાબિત કરી ચૂકેલા ભારતીય આઈટી ક્ષેત્ર સક્ષમ માનવ સંસાધનોની પ્રાપ્યતા સુનિશ્ચિત કરે છે. નાગરિકોના જીવન સુધારવા માટે ટૅક્નૉલૉજીના વપરાશને હંમેશાં પ્રોત્સાહિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બધી બાબતોના લીધે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ માટે તૈયાર છે.
વર્ષ ૨૦૧૮માં ભારત સરકારે રાષ્ટ્રીય એઆઈ રણનીતિ પ્રકાસિત કરી હતી. ત્યાર પછીથી ઇલેક્ટ્રૉનિક્સ અને આઈટી ખાતા દ્વારા દેશમાં મજબૂત એઆઈ અર્થપ્રણાલિ વિકસાવવા અનેક પહેલો હાથ ધરી છે. સરકારી વિભાગોને નિષ્ણાત ડેટા વિશ્લેષણ સેવાઓ પૂરી પાડવા સેન્ટર ઑફ ઍક્સલેન્સ ઇન ડેટા એનાલિટિક્સ સ્થાપિત કરવામાં આવ્યું છે.
આઈટી ઉદ્યોગ સાથે સહકારમાં સેન્ટર ઑફ ઍક્સલન્સ બેંગલુરુ, ગાંધીનગર, ગુરુગ્રામ અને વિઝાગમાં સ્થાપવામાં આવ્યાં છે જ્યાં ૧૧૩ સ્ટાર્ટઅપ શરૂ થયાં છે, ૨૯ બૌદ્ધિક સંપત્તિ ઊભી થઈ છે અને ૫૬ ક્ષેત્રીય સમાધાનો વિકસાવાયાં છે. ચાર લાખ વ્યાવસાયિકોને લાભ આપવાના ઉદ્દેશ્યથી ઉભરતી ટૅક્નૉલૉજીમાં અને નવા પ્રકારની નોકરીમાં વ્યાવસાયિકોને કૌશલ્યબદ્ધ કરવા અને પુનઃકૌશલ્યબદ્ધ કરવા માટે ભવિષ્યનાં કૌશલ્ય મુખ્ય ઑનલાઇન ક્ષમતા નિર્માણ મંચ (ફ્યુચર સ્કિલ્સ પ્રાઇમ ઑનલાઇન કેપેસિટી બિલ્ડિંગ પ્લેટફૉર્મ) શરૂ કરાયો છે.
એઆઈમાં સહકાર અને જ્ઞાનની વહેંચણી માટે એક જ જગ્યાએ મળતા ડિજિટલ મંચ તરીકે નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પૉર્ટલ શરૂ કરાયું છે. કેન્દ્રીય પ્રધાન મંડળની અનુમતિ મળી જાય તે પછી ઇલેક્ટ્રૉનિક્સ અને આઈટી ખાતા દ્વારા ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય કાર્યક્રમ આદરાશે.
આધાર, યુપીઆઈ, જીએસટીએન અને જીઇએમ જેવા સરકારી ડિજિટલ મંચોમાંથી શીખીને સરકારે આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સામાનની હેરફેર, ભાષા અનુવાદ વગેરેના ક્ષેત્રમાં અનેક સરકારી ડિજિટલ મંચ સ્થાપવાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. ૨૦૨૦ના સ્વતંત્રતા દિન નિમિત્તે વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ હૅલ્થ મિશનની ઘોષણા સાથે, આરોગ્ય માટે સરકારી ડિજિટલ મંચ પર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ઇલેક્ટ્રૉનિક અને આઈટી ખાતું શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સ્ટાર્ટ અપ સાથે સહકારમાં એઆઈ આધારિત કુદરતી ભાષા અનુવાદ ધ્યેય વિકસાવી રહ્યું છે. તેનાથી ભારતીય ભાષાઓમાં અવાજ આધારિત ઇન્ટરનેટ માટે માર્ગ મોકળો થશે.
આ જ ઢબે, ભારત સરકારનાં વિવિધ ખાતાંઓ ઉદ્યોગ, શિક્ષણ જગત અને સ્ટાર્ટ અપ સાથે સહકારમાં વિભાગીય સરકારી ડિજિટલ મંચને અંતિમ ઓપ આપવાના વિવિધ તબક્કામાં છે. વપરાશકારોની ડેટા સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાનો ઉકેલ લાવવાની સાથે આ મંચો આ ક્ષેત્રોમાં એઆઈ આધારિત સેવાઓ પૂરી પાડશે. આ મંચો ભારતીય સ્ટાર્ટ અપ માટે ખૂબ જ તકો પણ સર્જશે.
ટૅક્નૉલૉજીમાં વિકાસ પરિવર્તન લાવે છે અને સાથે ચિંતા પણ સર્જે છે. જ્યારે મોટા પાયે કમ્પ્યૂટરીકરણ હાથ ધરાયું ત્યારે બેરોજગારી મોટા પાયે ઊભી થશે તેવી ચિંતા હતી. પરંતુ છેવટે કમ્પ્યૂટર અને માહિતી ટૅક્નૉલૉજી સૌથી મોટા રોજગારી સર્જકો પૈકીનાં એક બની ગયાં. આ જ રીતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ કેટલીક પ્રવર્તમાન નોકરીઓનું સ્થાન લેશે પરંતુ તે પણ અનેક નવી નોકરીઓ સર્જશે. વિશ્વએ આ સંક્રાંતિને અસરકારક રીતે સંભાળવાની આવશ્યકતા છે જેથી સમાજમાં વિસંગતતા વધે નહીં.
ફ્યુચર સ્કિલ્સ પ્રાઇમ જેવી પહેલો દ્વારા, ભારતે આઈટીના ક્ષેત્રમાં ભવિષ્યની નોકરીઓ માટે તેના કાર્યદળને પુનઃકૌશલ્યબદ્ધ કરવા કામ શરૂ કરી પણ દીધું છે. સામાજિક સશક્તિકરણ માટે જવાબદાર એઆઈ માટે ભારતનો અભિગમ બાકાત રાખવાની ચિંતા અને એઆઈ પ્રણાલિઓ દ્વારા કર્મચારીઓને નિરર્થક થઈ જશે તેવી ચિંતાઓને હલ કરીને સમાવેશક વૃદ્ધિ અને સામાન્ય નાગરિકોના સશક્તિકરણ માટે એઆઈનો ફાયદો ઉઠાવવા માગવાનો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ મોટા સામાજિક સશક્તિકરણ, ખાસ કરીને ગરીબ અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો, તરફ આપણને દોરી જવી જોઈએ. તેનો વિકાસ એવી રીતે કરવો જોઈએ જેથી તે લોકોને અનુભવવી પડતી સમસ્યાઓનું નિવારણ લાવે. આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સામાનની હેરફેર અને ભાષા જેવાં ક્ષેત્રોમાં એઆઈના વ્યાપક ઉપયોગ અંગે ભારતની દૂરદર્શિતા સામાજિક સશક્તિરણ માટે એઆઈનો ફાયદો ઉઠાવવાની આપણી કટિબદ્ધતાથી પ્રેરાયેલી છે.
ડેટા સંસાધનો આર્ટિફિશિયલ ઇન્ટેલજિન્સના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનાં છે. જોકે વપરાશકારોના ડેટાના દુરુપયોગ અને ગોપનીયતાના ઉલ્લંઘનની ચિંતાઓને એઆઈ પ્રણાલિઓએ પૂરતી રીતે ઉકેલવી જ જોઈએ. ભારત સરકારે સંસદમાં વ્યક્તિગત ડેટા સુરક્ષા ખરડો દાખલ કરી દીધો છે. આ ખરડાનો હેતુ ડિજિટલ યુગમાં વપરાશકારોની ગોપનીયતાની સુરક્ષા અને તેની સાથે મજબૂત ડેટા અર્થતંત્રના વિકાસને સહાય કરવાનો છે.
અત્રે એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે ભારતીય નાગરિકોના ડેટાના દુરુપયોગ દ્વારા ડિજિટલ ક્ષેત્રમાં એકાધિકાર સર્જવાના કોઈ પણ પ્રયાસનો ભારત સરકાર મજબૂત જવાબ આપશે. તાજેતરમાં કેટલીક મોબાઇલ ઍપ સામે લેવાયેલાં પગલાં દર્શાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ભારતના નાગરિકોની ડેટા ગોપનીયતા અને ભારતનું ડેટા સાર્વભૌમત્વની સુરક્ષા કરવા પ્રતિબદ્ધ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈતિક અને કાનૂની ચિંતાઓ પણ સર્જે છે જેનો ઉકેલ લાવવો પણ આવશ્યક છે. એઆઈ પ્રણાલિઓનું સંચાલન કરતા નિયમોનો સમૂહ વ્યાખ્યાયિત કરતા આલ્ગૉરિધમ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પક્ષપાતથી મુક્ત હોવા જોઈએ. દા.ત. ચહેરા ઓળખવાની પ્રણાલિ (ફેસ રેકગ્નિશન સિસ્ટમ) કોઈ કુળવાદી કે વંશવાદી પૂર્વગ્રહ ન દર્શાવવી જોઈએ અથવા સમાચાર અને સૉશિયલ મિડિયા પ્રણાલિઓએ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા પ્રત્યે પૂર્વગ્રહ ન દાખવવો જોઈએ. ન્યાય અધિકાર ક્ષેત્રના આધાર પર પરંપરાગત કાયદાઓને આંતરરાષ્ટ્રીય ટૅક્નૉલૉજીઓ દ્વારા પડકારવામાં આવી રહ્યા છે. વિશ્વમાં કોઈ પણ ખૂણે બેઠેલાં બદમાશ તત્ત્વો અન્ય કોઈ પણ સમાજની શાંતિને ખોરવી શકે છે અને આપણે તાજેતરના સીએએ વિરોધી આંદોલન અને દિલ્લી રમખાણોમાં તે જોયું પણ ખરું. વિશ્વએ સાથે મળીને આ ચિંતાઓને ઉકેલવાની આવશ્યકતા છે.
જવાબદાર એઆઈ વિકસાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-બહુસ્તરીય સામૂહિક પર વૈશ્વિક ભાગીદારીનું ભારત સ્થાપક સભ્યો પૈકીનું એક છે. ભારત એઆઈ અર્થપ્રણાલિ વિકસાવવા દ્વિસ્તરીય પાયા પર અનેક દેશો સાથે કામ કરી રહ્યું છે. ભારતની સૌથી મોટી એઆઈ શિખર પરિષદ – રેઇઝ ૨૦૨૦ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થપ્રણાલિ માટે વૈશ્વિક સહકાર માગે છે. આ અર્થપ્રણાલિ માનવતા માટે જવાબદાર અને સામાજિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ હશે.
રેઇઝ ૨૦૨૦ ખાતે તમને મળવા આશા રાખું છું!
(લેખક ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નૉલૉજી, સંચાર અને કાયદો તેમજ ન્યાયના કેન્દ્રીય પ્રધાન છે.)