નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામૂહિક દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ જવા નીકળ્યા હતા. યમુના એક્સપ્રેસ-વે પર જિલ્લા વહીવટી તંત્રએ રાહુલ-પ્રિયંકાના કાફલાને રોક્યો હતો અને બંનેની યુપી પોલીસે ધરપકડ કરી હતી.
આ સમગ્ર કેસ મામલે એસઆઈટીની ટીમ વધુ તપાસ કરી રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રાથમિક તપાસના રિપોર્ટના આધાર પર એસપી વિક્રાંત વીર, ડીએસપી રામ શબ્દ અને ઈન્સપેક્ટર દિનેશ કુમાર વર્મા સહિત કેટલાક પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારની ફરિયાદ સાંભળવા અને ન્યાયની માગ કરવા માટે ફરી એક વખત હાથરસ જઈ શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે, આ સમગ્ર કેસમમાં પીડિતાના પરિવારને ન્યાયથી દુર રાખવામાં આવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, હાથરસ મામલે પીડિતાની હત્યા કરવામાં આવી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
વધુમાં જણાવીએ તો, ગુરુવારના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.