કોંગ્રેસે આર્થિક મંદી અને ક્ષેત્રીય આર્થિક કરાર જેવા મુદ્દાઓ સંદર્ભે આગામી પખવાડિયામાં કેન્દ્ર સરકાર વિરૂદ્ઘ દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, તે પહેલા જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વિદેશ રવાના થઈ ગયા છે.
પરંતુ, રાહુલના આ પ્રવાસને કોંગ્રેસે યોગ અને ધ્યાનનો પ્રવાસ ગણાવ્યો છે. જ્યાં તેઓ સમાયંતરે જાય છે. પક્ષનું એમ પણ કહેવું છે કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કોઈ પણ રાજ્ય કે જિલ્લાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના નથી.
જો કે, રાહુલ એવા સમયે હાજર નહીં હોય કે જ્યારે પક્ષને તેમના નેતૃત્વની જરૂર હશે. આ પહેલા પણ તેઓ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન દેશની બહાર ચાલ્યા ગયા હતાં. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી એક સપ્તાહ માટે વિદેશ પ્રવાસે ગયા છે. તેઓ નવેમ્બરના પહેલા સપ્તાહમાં ભારત પરત ફરશે. બાદમાં તેઓ દિલ્હીમાં પક્ષ દ્વારા યોજાનારી રેલીમાં જોડાય તેવી શક્યતાઓ છે. આ મહત્વની રેલીમાં વિપક્ષોને પણ આમંત્રણ અપાયું છે.
રાહુલ ગાંધીના આ પ્રવાસ અંગે કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેઓ સમયાંતરે ધ્યાનની યાત્રા પર જાય છે. હાલ પણ તેઓ તચે જ યાત્રા પર ગયા છે. સરકાર સામેના આંદોલનનો સંપૂર્ણ કાર્યક્રમ તેમના નેતૃત્વ અંતર્ગત નક્કી થયો છે. આ કાર્યક્રમ માટેની બેઠકમાં પણ તેઓ જોડાયા હતાં.