નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાને લઈને સોમવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના ગરીબ, મજૂરો અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં થયેલા વધારાને તાત્કાલિક પાછો ખેંચવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું આપણે બધાંએ સાથે મળીને તેલના વધતા જતા ભાવ સામે અવાજ ઉઠાવવો જોઇએ, જેથી સરકાર તેલના ભાવ ઘટાડો કરે.
તેમણે કહ્યું કે કોરોના મહામારી, બેરોજગારી અને 'આર્થિક તોફાન' ની વચ્ચે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને લોકોને નુકસાન પહોંચાડી રહી છે.તેમણે કહ્યું, દેશમાં 'કોરોના, બેકારી અને આર્થિક તોફાન આવ્યું છે. દેશનો દરેક નાગરીક આ તોફાનનો ભોગ બન્યો છે. સૌથી મોટુ નુકસાન મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને થયો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ' આ વર્ગોની સરકારે આર્થિક મદદ કરવી પડશે. અમે સૂચવ્યું હતું કે 'ન્યાય' યોજનાની તર્જ પર, કેટલાક મહિના માટે દરેક ગરીબ માણસના ખાતામાં સીધા પૈસા નાખો. આ સાથે MSME માટે પણ એક પેકેજનો આગ્રહ કર્યો હતો.