નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં શહીદ જવાનો મુદ્દે રાહુલ ગાંધી રાજકારણ કરતાં હોવાના મુદ્દે એક ઘાયલ જવાનના પિતાએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે, અને તેમને નેતાગીરી છોડવાની સલાહ આપી છે.
રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, બોર્ડર પર ભારતીય સૈનિકો નિઃશસ્ત્ર હતા. જેનો ફાયદો ઉઠાવી ચીનના જવાનોએ હુમલો કર્યો હતો. જો કે, બાદમાં આ વાતનું સરકારે ખંડન કર્યુ હતું.
ગલવાન ખીણમાં ઘાયલ જવાનના પિતા બળવંતસિંહે કહ્યું હતું કે, "ભારતીય સૈન્ય એક સશસ્ત્ર સૈન્ય છે. તે ચીનને હરાવી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગીરી કરવાનું છોડી દો. આ રીતે રાજકારણ કરવું યોગ્ય નથી. મારો પુત્ર પહેલા પણ સૈન્ય માટે લડ્યો છે અને આગળ પણ લડશે.
આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે, તેમણે રાજકારણ છોડીને દેશના હિતમાં સરકારની સાથે ઉભા રહેવું જોઈએ.
અમિત શાહે બળવંતસિંહનો એક વીડિયો શેર કર્યો છે, રાહુલ ગાંધીએ પણ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા એક જવાનના પિતા વાત કરી રહ્યાં છે.