રાંચી: મળતી માહિતી મુજબ રામાનુજમ કેટલાક દિવસોથી કામને લઇને તણાવમાં હતા. આ દરમિયાન તેમણે પોતાની ઓફિસમાં આવેલા તેમના આવાસમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. રામાનુજમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રિમ્સ મોકલવામાં આવ્યો છે. તેમનો એક દીકરો ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે, તેને આ વિશે જાણ કરવામાં આવી છે.
તેમના સાથી વિનોદ કુમાર સિંહે જણાવ્યું હતું કે, તેમના પુત્રને પી.વી. રામાનુજમે આત્મહત્યા કરી હોવાની માહિતી આપવામાં આવી છે. હાલમાં મૃતદેહનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે જેથી તેમના મૃતદેહને રિમ્સના પોસ્ટ મોર્ટમ ગૃહમાં રાખવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ બાદ જ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પણ પી.વી. રામાનુજમના અકાળ અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, રામાનુજમ એક કુશળ અને પ્રતિભાશાળી પત્રકાર હતા. તેમની સાદગી અને આદર્શને કારણે તેમને અન્ય પત્રકારો માટે પ્રેરણા કહી શકાય છે. આવી વ્યક્તિની ખોટને કારણે પત્રકારત્વની દુનિયાને ન ભરવાપાત્ર નુકસાન થયું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેને પી.વી. રામાનુજમના અકાળ અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, પી.વી. રામાનુજમનું નિધન એ પત્રકારત્વ જગત માટે એક મોટુ નુકસાન છે. તેમના પત્રકારત્વે ઘણા પત્રકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ પણ પી.વી. રામાનુજમના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, પીવી રામાનુજમ ખૂબ જ સરળ વ્યક્તિ હતા. તેમના મૃત્યુને કારણે પત્રકારત્વને ઘણું નુકસાન થયું છે. તેમની આત્માને શાંતિ મળે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન તેમને આ દુ:ખની ઘડી સહન કરવાની શક્તિ આપે.