નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂક્યો છે. બીજી બાજુ અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પેઓએ કોવિડ-19ના વધતા પ્રકોપને લઇને વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે ફોનના માધ્યમથી ચર્ચા કરી હતી. અમેરિકી વિદેશ પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે આ અંગે માહિતી આપી છે.
મોર્ગન ઓર્ટોગસે જણાવ્યું કે, બન્ને નેતાઓએ કોરોના વાઇરસ સામે લડવા માટે પરસ્પર એકજુટતા પર ભાર મૂક્યો હતો. પોમ્પિયોએ જયશંકર સાથેની ચર્ચામાં કોરોના જેવા આંતરરાષ્ટ્રીય સંકટ સામે લડવા માટે અમેરિકા, ભારત અને અન્ય નજીકના સહયોગી વચ્ચે નિરંતર ઘનિષ્ઠ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ સાથે જ પોમ્પિઓએ ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ભારત સાથે કામ કરવાની સંયુક્ત રાજ્યની અતુટ પ્રતિબદ્ધતાને પુનરાવર્તીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં આ વાઇરસ ફેલાઇ ચૂક્યો છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 7,54,948 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત લગભગ 192 દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.
ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે અને દેશમાં મંગળવારે કોરોના વાઇરસના 100થી વધુ નવા કેસ સામે આવ્યા બાદ આનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 1,397 થઇ છે, જ્યારે વધુ 3 દર્દીનું મોત થવાથી મૃતક આંક 35 થયો છે.