નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા જતાં કેસને ધ્યાને રાખીને વડા પ્રધાન મોદી આજે વિભિન્ન રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે. PM મોદી મંગળવારે બપોરે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો, ઉપરાજ્યપાલો અને રાજ્યપાલો સાથે ચર્ચા કરશે. જેમાં પંજાબ, કેરળ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ, પૂર્વોતરના રાજ્ય અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશ સામેલ છે.
વડાપ્રધાન બુધવારે 15 રાજ્યોના મુખ્ય પ્રધાનો અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરશે. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ છે.
દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસની વચ્ચે આ ડિજિટલ બેઠક થવા જઇ રહી છે. ભારતમાં સોમવારે કોરોના વાઇરસના 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જેથી કોરોના સંક્રમિતોની સંખ્યા 3.32 લાખ પર પહોંચી છે, જ્યારે વધુ 325 લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા 9520 થઇ છે.
અનલોક-1 હેઠળ સામાન્ય લોકો અને વ્યવસાય માટે અમુક છૂટછાટ આપવામાં આવી છે, જેથી લોકડાઉનને કારણે પ્રભાવિત આર્થિક ગતિવિધિઓને યોગ્ય પાટા પર લાવી શકાય. આ પહેલા વડા પ્રધાને શનિવારે કોરોના મહામારીથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં તેના પ્રસારને રોકવા માટે લીધેલા પગલા અને પ્રભાવી પ્રબંધનના રોડમેપની સમીક્ષા કરી હતી.