કરાચી: પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું વિમાન શુક્રવારે ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં 98 લોકો હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત જિન્ના એરપોર્ટ લેન્ડ કરતા પહેલા સર્જાયો હતો. લાહોરથી આવેલી ફ્લાઈટ નંબર PK-303 કરાચીમાં લેન્ડ કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. PIA વિમાનના કેપ્ટન સજ્જાદ ગુલ હતા.
માલીરમાં મોડેલ કોલોની પાસેના જિન્ના ગાર્ડન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 7 ક્રૂ સભ્યો અને 91 પ્રવાસી સહિત કુલ 98 લોકો સવાર હતા. વિમાન સાથેનો સંપર્ક લેન્ડિંગના એક મિનિટ પહેલા તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં આસપાસના ઘરોને પણ ભારે હાલાકી વેઠવી પડી છે.
પાક આર્મીએ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પાકિસ્તાનના આરોગ્ય પ્રધાને અકસ્માત બાદ કરાચીની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. વિમાનની પાંખોમાં આગ લાગી હતી, જે ક્રેશ થતાં પહેલાં મકાનોની છત પર તૂટી પડી હતી.
કરાચીના મેયર વસીમ અખ્તરે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના એરપોર્ટના વળાંક પર બની હતી. આ અકસ્માતમાં છ મકાનોને નુકસાન પહોંચ્યું છે. જાન-માલના નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. 98 લોકોનાં મોત નીપજ્યા છે.