થરુરે ભારપૂર્વક જણાવ્યુ હતું કે,' હું એ સંદેશ આપવા માંગીશ કે, દેશની અંદર અમારા વચ્ચે ભલે મતભેદો હોય પરંતુ જ્યારે ભારતના હિતોની વાત આવતી હોય ત્યારે તે ભાજપ કે કોંગ્રેસની વિદેશનીતિ નથી રહેતી. તે ભારતની વિદેશનીતિ કહેવાય છે'
તેમણે ઉમેર્યુ હતું કે, જમ્મુ કાશ્મીરના લોકો અને ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કેન્દ્ર સરકાર દ્વારા થયેલો વ્યવહાર અંગે ટિકા કરવાનો અધિકાર છે.
થરુરે કહ્યુ હતું કે, 'તેઓ દેશના આંતરિક મુદ્દાઓ પર સરકારની ઝાટકણી કાઢતા રહેશે. પાકિસ્તાનનો ભૂતકાળ જોતા તેને મોઢે કાશ્મીરની નિંદા શોભતી નથી. પાકિસ્તાને પહેલા એ વિચારવું જોઈએ કે PoKમાં તેમણે શું કર્યુ '
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે થરુર બોલ્યા હતાં કે, ' અમે તેમની રાજનીતિ પસંદ કરીએ કે ન કરીએ તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન છે. જ્યારે તેઓ વિદેશપ્રવાસ કરે છે ત્યારે તેઓ ભારતના પ્રતિનિધિ હોય છે. તેઓ આપણો રાષ્ટ્રધ્વજ લઈને જાય છે. હું ઈચ્છું કે વડાપ્રધાનનું એ રીતે જ સમ્માન અને વ્યવહાર થવો જોઈએ જેમના તેઓ હકદાર છે.'
કોંગ્રેસના સાંસદે ઉમેર્યુ હતું કે આ વાત કરીને તેઓ વડાપ્રધાન પદની પણ ગરિમા જાળવી રહ્યા છે અને સાથે ભારતીય મતદારો પ્રતિ પણ સમ્માન વ્યક્ત કરી રહ્યા છે.