નવી દિલ્હી: 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ મેળવનારા લોકોની સંખ્યા એક કરોડને પાર થઇ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નોંધ્યું હતું કે, આ પહેલની અનેક લોકો પર સકારાત્મક અસર પડી છે.
સપ્ટેમ્બર 2018 માં, મોદીએ વડા પ્રધાન જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત શરૂ કર્યું હતું. તેને વિશ્વની સૌથી મોટી સરકાર દ્વારા પ્રાયોજિત આરોગ્યસંભાળ યોજના તરીકે ઓળખવામાં આવી છે.
વડા પ્રધાને ટ્વીટર પર લખ્યું કે, "તે દરેક ભારતીયને ગૌરવ આપશે કે આયુષ્માન ભારત લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઈ છે. બે વર્ષથી ઓછા સમયમાં આ પહેલ ઘણા લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે."
તેમણે તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારોને અભિનંદન આપ્યા અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે આયુષ્માન ભારત સાથે સંકળાયેલા ડૉકટરો, નર્સો, આરોગ્યસંભાળ કામદારો અને અન્ય તમામ લોકોની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમના પ્રયત્નોથી તે વિશ્વનો સૌથી મોટો આરોગ્યસંભાળ કાર્યક્રમ બન્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ પહેલથી ઘણા ભારતીયોનો, ખાસ કરીને ગરીબ અને પ્રાથમિક જરુરિયાતથી વંચિચ લોકોનો વિશ્વાસ જીત્યો છે. આયુષ્માન ભારતનો સૌથી મોટો ફાયદો એ પોર્ટેબીલીટી છે.