નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 14 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી યોજાનાર સંસદના સત્ર અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. કોવિડ - 19ના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે સંસદના આ વખતના સત્રના આયોજનમાં નવા ફેરફારો થશે, જેમાં સંસદ સભ્યો તથા સંસદના સંકુલમાં આવનારા કર્મચારીઓના પરિક્ષણો, સામાજિક અંતરની જાળવણી જેવા પગલાંનો સમાવેશ થાય છે.
કોરોના મહામારીના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સચિવાલયે કહ્યું કે, સંસદમાં પ્રશ્નકાળ નહીં યોજાઈ. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ 14 સેપ્ટેમ્બર 2020ના રોજ રાજ્યસભા સત્ર બોલાવ્યું છે. આ સત્ર 1 ઓક્ટોબર 2020ના રોજ પૂર્ણ થશે.
નિવેદનમાં કહ્યું કે, શૂન્યકાળ અને અન્ય કાર્યવાહી સૂચી મુજબ આયોજીત કરવામાં આવશે. સંસદના ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબરે પૂર્ણ થશે. પ્રશ્નકાળ ન થવાના કારણે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "સાંસદોની સુરક્ષાને લઇ પ્રશ્નકાળ સ્થગિત કરવાનો નિર્ણય મારી સમજ બહાર છે."
આ આગાઉ 28 ઓગસ્ટના રોજ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે, સંસદના આગામી ચોમાસા સત્રમાં સભ્યોના પ્રશ્નો પુછવા અને મહત્વના મુદ્દાઓ વિશે પુછવાના અધિકારો પર કપાત મુકવામાં ન આવે. બિરલાને લખેલા પત્રમાં ચૌધરીએ કહ્યું હતું કે, પ્રશ્ન સમય અને શૂન્ય સમય કાપવો જનપ્રતિનિધિઓના હિતમાં નથી. તેમણે કહ્યું, 'એવું લાગે છે કે આ સત્ર દરમિયાન સમય ફાળવણી અને સભ્યો દ્વારા આપવામાં આવેલી નોટિસની સંખ્યાને મર્યાદિત કરીને પ્રશ્ન કલાક અને શૂન્ય કલાકો ઘટાડવાનો પ્રસ્તાવ છે.'