નવી દિલ્હી : પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનમાં મોતની સજા ભોગવી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાનૂની પ્રતિનિધિ આપવાના મામલે પાકિસ્તાને ભારત સરકાર સાથે વાત કરી છે. પાકિસ્તાની મીડિયાએ તેવા સમયે જાણકારી આપી જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં ભારત સરકાર સાથે કોઇ વાતતીત કરી નથી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, અમને પાકિસ્તાન તરફથી કોઇ માહિતી મળી નથી.
કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાન તરફથી કોઈ વાતચીત નહીં: ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન તરફથી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે, ઇસ્લામાબાદ હાઇકોર્ટે જાધવના મામલામાં ત્રણ વરિષ્ઠ વકીલોને ન્યાય મિત્ર નામિત કરતા પાકિસ્તાન સરકારને આદેશ આપ્યો કે, મોતની સજાનો સામનો કરી રહેલા કેદી કુલભૂષણ માટે વકીલની નિમણૂક કરવાની બીજી તક ભારતને આપવામાં આવે.
શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાને આ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશને લાગુ કરવા અને ભારતને સંબધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, "પાકિસ્તાને જાધવને અવિરત અને વિક્ષેપ વિના રાજદ્વારી પ્રવેશ પૂરો પાડવાની જરૂર છે."