રાજદ્રોહના આરોપી શરજીલ ઈમામની દિલ્હી ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ - Uttar Pradesh
રાજદ્રોહના કેસમાં ફરાર JNUના વિદ્યાર્થી શરજીલ ઈમામની દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. શરજીલની બિહારના જહાનાબાદ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ટીમ ઇમામને દિલ્હી લાવી રહી છે. અહીં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ ઉપરાંત આસામ, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની પોલીસ શરજીલની બહેનની શોધમાં સતત દરોડા પાડતી હતી.
નવી દિલ્હી: મળતી માહિતી મુજબ ગત ડિસેમ્બરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન JNUના વિદ્યાર્થી શરજીલ ઈમામે આપત્તિજનક નિવેદન આપ્યું હતું. શરજીલે કહ્યું હતું કે, ભારતમાંથી આસામને કાપીને તે અલગ કરી દેશે. જેને લઈને આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં શરજીલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં રાજદ્રોહ ઉપરાંત રમખાણો કરવા ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.