કાઠમાંડુ: નેપાળની સંસદે દેશના નવા રાજકીય અને વહીવટી નકશાને મંજૂરી આપી દીધી છે. નેપાળે આ વિવાદિત નકશામાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા વિસ્તારોનો દાવો કર્યો છે. ભારત આ ત્રણેય વિસ્તારોને પોતાનો ગણાવતું આવ્યું છે. જેના કારણે બંને દેશોના સંબંધોમાં તિરાડ જોવા મળી રહી હતી.
સંસદમાંથી વિવાદિત નકશાને મંજૂરી આપ્યા પછી, નેપાળી સાંસદોએ સરહદ વિવાદના સમાધાન માટે ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે જણાવ્યું હતું. નેપાળના પૂર્વ વડાપ્રધાન અને શાસક અને નેપાળ સામ્યવાદી પાર્ટીના પ્રમુખ પુષ્પ કમલ દહલે શનિવારે સંસદમાં કહ્યું હતું કે, અમે સંકલ્પ કર્યો છે કે અમે વાતચીત અને રાજદ્વારી પ્રયત્નો દ્વારા સરહદના મુદ્દાનું નિરાકરણ લાવીશું. અમે ભારત સાથે દુશ્મની નથી ઈચ્છતા.
નેપાળી સંસદે શનિવારે દેશના રાજકીય નકશામાં ફેરફાર કરવા બંધારણમાં પરિવર્તનને લગતા બિલને સર્વાનુમતે મંજૂરી આપી હતી. સંસદમાં આ પ્રસ્તાવની તરફેણમાં 258 મત મળ્યા હતા. જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો ન હતો.