ભોપાલઃ લાંબા સમયથી બિમાર રહેલા લાલજી ટંડને મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના દિકરા આશુતોષ ટંડને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ભાજપ નેતા લાલજી ટંડનનું આજે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં 11 જૂને દાખલ કરવામાં આવ્યા હતાં. સોમવારથી જ તેમની હાલત સ્થિર હતી. જેને લઈને મેદાંતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન પણ જાહેર કરવામાં આવ્યું હતું. 11 જૂને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા લાલજી ટંડનની તબિયત 15 જૂને વધુ બગડી હતી. પેટમાં બ્લીડિંગ થવાથી તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી તેઓ સતત વેન્ટિલેટર પર જ હતાં.
ઉત્તર પ્રદેશના લખનઉની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલના હાલચાલ પુછવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ગયા હતાં.
લાલજી ટંડનની જીવન સફર
- લાલજી ટંડનનો જન્મ 12 એપ્રિલ, 1935માં થયો હતો.
- લાલજીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો.
- તેઓ શરૂઆતથી જ RSS સાથે સંકળાયેલા હતા.
- 1958માં લાલજીના કૃષ્ણા ટંડન સાથે લગ્ન થયા હતા.
- સંઘમા જોડાયા તે દરમિયાન તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે મુલાકાત કરી હતી.
- લાલજી શરૂઆતથી જ અટલ બિહારની ખુબ જ નજીક રહ્યા હતાં.
લાલજી ટંડનનીરાજકીય સફર
- લાલજી ટંડનની રાજકી સફર 1960માં શરૂ થઈ.
- બે વાર કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને બે વાર વિધાન પરિષદના સદસ્ય રહ્યા.
- તેમણે ઈન્દિરા ગાંધીની સરકારની વિરૂદ્ધમાં જેપી આંદોલનમાં અગ્રેસર રહીને ભાગ લીધો.
- 90ના દશકમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ અને બસપાની ગઠબંધન વાળી સરકાર બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું.
- 1978થી 1984 સુધી અને 1990થી 1996 સુધી લાલજી ટંડન બે વાર ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સદસ્ય રહ્યા.
- 1991-92માં ઉત્તર પ્રદેશની સરકારમાં તેઓ પ્રધાન પણ રહ્યાં.
- 1996થી 2009 સુધી સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા અને વિધાનસભા સુધી પહોંચ્યા.
- 1997માં શહેરી વિકાસ પ્રધાન હતા.
- વર્ષ 2009માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રાજકારણમાંથી ખસી ગયા પછી લખનઉ લોકસભા બેઠક ખાલી થઈ ગઈ હતી. આ પછી ભાજપે આ બેઠક લાલજી ટંડનને સોંપી હતી.
- લોકસભાની ચૂંટણીમાં લાલજી ટંડન લખનઉ લોકસભા બેઠક સરળતાથી જીતીને સંસદમાં પહોંચ્યા.
- વર્ષ 2018માં બિહારના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી હતી.
- 20 જુલાઈ 2019ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
- ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડન 21 ઓગસ્ટ, 2018ના રોજ બિહારના રાજ્યપાલ બન્યા હતા.