નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો છે કે, રાષ્ટ્રીય સ્તરે સમુદાય દ્વારા આ વાઇરસ ફેલાયો હોવાના કોઇ પુરાવા નથી મળ્યા. જોકે થોડા દિવસો પહેલા ભારતીય મેડિકલ એસોસિએશનએ કહ્યું હતું કે, ભારતમાં આ વાઇરસ સમુદાય સ્તરે ફેલાઇ રહ્યો છે. ગુલેરિયાએ કહ્યું કે દિલ્હી એઇમ્સમાં કોરોનાની રસીનું માનવ પરીક્ષણ શરૂ કરવામાં આવી ગયુ છે. જે 18થી 55 વર્ષની વયના લોકો પર કરવામાં આવશે.
AIIMSમાં શરૂ કરાયું કોરોના રસીનું માનવ પરીક્ષણ - કોરોના રસી
હાલમાં સાત ભારતીય દવા કંપનીઓ કોરોના વાઇરસની રસી તૈયાર કરવાના પ્રયાસ કરી રહી છે. વૈશ્વિક સ્તર પર આ જીવલેણ મહામારીના પ્રસારને અટકાવવા માટે રસી બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી 1.4 કરોડ લોકો આ વાઇરસનો ભોગ બની ચુક્યા છે. અત્યાર સુધી આ મહામારી વૈશ્વિક સ્તરે 6 લાખથી વધારે લોકોના જીવ લઇ ચુકી છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં સમુદાય સ્તરે કોરોનાનો ફેલાવો નથી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે દિલ્હી એઇમ્સમાં પણ કોરોના રસીનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયું છે.
સોમવારે ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં સમુદાય સ્તરે આ વાઇરસ ફેલાયો હોય તેવા કોઇ પુરાવા નથી મળ્યા. તેમણે કહ્યું કે ઘણા એવા રાજ્યો છે જ્યાં બહુ ઓછા કેસ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં સમુદાય સ્તરે વાઇરસ ફેલાઇ રહ્યો છે તેમ કહેવું યોગ્ય નથી. તો બીજી બાજુ દેશના કેટલાક શહેરોમાં કેસ વધી રહ્યા છે. કોરોનાને નિયંત્રિત કરવા માટે ડોર-ટુ-ડોર સર્વે જરૂરી છે.
ગુલેરિયાએ કહ્યું કે, રસી પરીક્ષણનો એક તબક્કો 18-55 વર્ષની વયના તંદુરસ્ત લોકો પર કરવામાં આવશે, જેને બીજો કોઇ રોગ ન હોય. કુલ 1,125 સેમ્પલ એકત્રિત કરવામાં આવશે, જેમાંથી પ્રથમ તબક્કામાં 375નો અભ્યાસ કરવામાં આવશે અને બીજા તબક્કામાં 12થી 65 વર્ષની વયના 750 લોકોનું પરીક્ષણ કરવામાં આવશે.