આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 8મી સપ્ટેમ્બર
સાક્ષરતાનો મુદ્દો યુએનનાં સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યો તથા યુએનના સાતત્યપૂર્ણ વિકાસ માટેના એજન્ડા, 2030નો ચાવીરૂપ ભાગ છે.
યુએનના સાતત્યપૂર્ણ વિકાસ એજન્ડાને સપ્ટેમ્બર, 2015માં વિશ્વના નેતાઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ એજન્ડા લોકોના સમગ્ર જીવનકાળ દરમિયાન ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શીખવાની તકોની સાર્વત્રિક પ્રાપ્યતાને વેગ આપે છે.
સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્ય-4 (SDG4)નું એક લક્ષ્યાંક તમામ યુવાનો સાક્ષરતા, સંખ્યાનું જ્ઞાન હાંસલ કરે તથા જે પુખ્ત લોકો આ કૌશલ્યો ન ધરાવતા હોય, તેમને આ કૌશલ્યો પ્રાપ્ત કરવાની તક પૂરી પાડવામાં આવે, તે છે. આ પ્રશ્નો પર ધ્યાન આપીને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 2020 મહામારીના સમયગાળામાં તથા ત્યાર બાદ યુવાનો અને પુખ્તો માટેના સાક્ષરતા કાર્યક્રમોમાં નવતર અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ તથા શિક્ષણશાસ્ત્રનો ઉપયોગ કેવી રીતે થઇ શકે, તેના પર પ્રકાશ પાડવાની તક પૂરી પાડશે અને તે અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત આ દિવસ શિક્ષકોની ભૂમિકાનું વિશ્લેષણ કરવાની અને તેની સાથે-સાથે અસરકારક નીતિઓ, વ્યવસ્થાઓ, વહીવટ અને શિક્ષકોને અને શિક્ષણમાં સહાયરૂપ થઇ શકે તેવાં પગલાંનું વિશ્લેષણ કરવાની તક પૂરી પાડે છે. વર્ચ્યુઅલ કોન્ફરન્સ થકી યુનેસ્કો SDG4 હાંસલ કરવા ક્ષેત્રે કોવિડ-19 અને ત્યાર બાદના સમયગાળામાં યુવાનો તેમજ વડીલોના અક્ષર જ્ઞાન તથા તેમના શિક્ષણને નવેસરથી તૈયાર કરવા માટે સામૂહિક વૈશ્વિક ચર્ચા હાથ ધરશે.
‘કોવિડ-19ની કટોકટી અને ત્યાર પછીના સમયમાં અક્ષર જ્ઞાન અને શિક્ષણ’
છેલ્લા દાયકામાં વિશ્વએ સાક્ષરતા ક્ષેત્રે સ્થિર પ્રગતિ નોંધાવી છે. તેમ છતાં, વિશ્વભરનાં 773 મિલિયન યુવાનો અને વડીલો મૂળભૂત અક્ષર જ્ઞાન ધરાવતાં નથી.
617 મિલિયન કરતાં વધુ બાળકો અને કિશોર-કિશોરીઓએ વાચન અને ગણિત ક્ષેત્રે અલ્પતમ પ્રવીણતાનું સ્તર પ્રાપ્ત કર્યું નથી.
તાજેતરની કોવિડ-19 કટોકટી સાક્ષરતા ક્ષેત્રે રહેલા વર્તમાન પડકારોને વધુ ગંભીર બનાવી રહી છે અને સાક્ષરતાનાં ઓછાં અથવા તો નજીવાં કૌશલ્યો ધરાવતા યુવાનો અને વડીલો સહિતના લોકો માટે શાળાકીય અને આજીવન શિક્ષણની તકો પર તેની વિપરિત અસર પડી રહી છે.
મહામારીના પ્રારંભિક તબક્કા દરમિયાન 190 કરતાં વધુ દેશોની શાળાઓ બંધ કરી દેવાઇ હતી, જેના કારણે વિશ્વનમાં વિદ્યાર્થીઓની કુલ વસ્તીમાંથી 91 ટકા વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ ઊભો થયો હતો. કોવિડ-19 મહામારીથી આશરે 63 મિલિયન પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકો પણ પ્રભાવિત થયા હતા.
વિવિધ સરકારો ખાસ કરીને બાળકો અને યુવાનો માટેના ઔપચારિક શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ રીતે ઝડપથી ડિસ્ટન્સ-લર્નિંગના ઉપાયો અજમાવી રહી છે. ટીવી, રેડિયો અથવા તો ઇન્ટરનેટ થકી વર્ચ્યુઅલ શિક્ષણ, અભ્યાસ સામગ્રીનો પ્રસાર અને શિક્ષણની જોગવાઇઓ સહિતના શ્રેણીબદ્ધ ઉપાયો અજમાવવામાં આવ્યા છે.
તેણે યુવાનો અને વડીલો માટેની સાક્ષરતા અને શિક્ષણ સહિતના કેટલાક ચોક્કસ પેટા-વર્ગોને નોંધપાત્ર અસર પહોંચાડી છે.
ઘણા દેશોમાં પ્રારંભિક શિક્ષણ પ્રતિસાદ યોજનાઓમાં વડીલો માટેના સાક્ષરતા અને શિક્ષણના કાર્યક્રમોની ગેરહાજરી વર્તાઇ હતી અને કોવિડ-19 કટોકટી અગાઉ અસ્તિત્વ ધરાવતા પુખ્તો માટેના વિવિધ સાક્ષરતા કાર્યક્રમોને સ્થગિત કરી દેવાયા છે.
તેનો અર્થ એ કે, સાક્ષરતા ન ધરાવતા કે ઓછાં સાક્ષરતા કૌશલ્યો ધરાવતા યુવાનો અને પુખ્તો (જેઓ અગાઉથી જ એક કરતાં વધુ રીતે વંચિત છે), તેઓ જીવન-જરૂરી માહિતીની અને ડિસ્ટન્સ-લર્નિંગની તકોની મર્યાદિત પહોંચ ધરાવે છે અને/અથવા તેમના પર આજીવિકા છિનવાઇ જવાનું મોટું જોખમ તોળાઇ રહ્યું છે.
સાક્ષરતા
યુનેસ્કો તમામ લોકો માટે સાક્ષર વિશ્વની સંકલ્પનાને આગળ ધપાવતાં 1946થી વૈશ્વિક સાક્ષરતા પ્રયાસો ક્ષેત્રે અગ્રેસર છે. તે સમગ્ર જીવન દરમિયાન સાક્ષરતા કૌશલ્યો સંપાદિત કરવાં અને તેમાં સુધારો કરવાની પ્રક્રિયાને શિક્ષણ મેળવવાના અધિકારના મહત્વના ભાગ તરીકે જુએ છે. સાક્ષરતાની “બહુવિધ અસરો” લોકોનું સશક્તિકરણ કરે છે, તેમને સમાજમાં પૂર્ણપણે સહભાગી થવા માટે સક્ષમ બનાવે છે અને આજીવિકામાં સુધારો કરવા ક્ષેત્રે યોગદાન પૂરું પાડે છે.
સાક્ષરતા સાતત્યપૂર્ણ વિકાસની પણ વાહક છે. અર્થાત્, શ્રમ બજારમાં મોટાપાયે સહભાગીતા પૂરી પાડી શકે છે, તેના કારણે બાળકો તથા પરિવારના આરોગ્ય અને પોષણમાં સુધારો થાય છે, ગરીબીમાં ઘટાડો થાય છે અને જીવનની તકો વિસ્તરે છે.
લેખન, વાચન અને ગણતરી કરી શકવાનાં તેનાં પરંપરાગત કૌશલ્યોથી આગળ વધીને, સાક્ષરતાને હવે ઓળખ, સમજૂતી, અર્થઘટન, દ્રષ્ટિકોણ, સર્જન અને સતત વધી રહેલા ડિજિટલ, ટેક્સ્ટ પર આધારિત, માહિતીથી ભરપૂર અને ઝડપથી બદલાઇ રહેલા વિશ્વમાં પ્રત્યાયનનું સાધન ગણવામાં આવે છે.
જોકે, વૈશ્વિક સ્તરે, 750 મિલિયન કરતાં વધુ યુવાનો અને પુખ્તો હજી પણ લખી-વાંચી શકતા નથી અને 250 મિલિયન બાળકો મૂળભૂત સાક્ષરતા કૌશલ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નીવડી રહ્યાં છે. તેના પરિણામે ઓછી સાક્ષરતા અને નિમ્ન કૌશલ્યો ધરાવતા યુવાનો અને પુખ્તો તેમના સમુદાયો તથા સમાજોમાં પૂર્ણ સહભાગીતાથી વંચિત રહી જાય છે.
સાક્ષરતાને આજીવન શિક્ષણના અંગભૂત ભાગ તરીકે તથા સાતત્યપૂર્ણ વિકાસ માટેના એજન્ડા, 2030 તરીકે આગળ ધપાવવા માટે યુનેસ્કોએ વિશ્વભરમાં યુવાનો અને પુખ્તો પર ખાસ ભાર મૂકીને સાક્ષરતાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નીચેના અભિગમો હાથ ધર્યા છેઃ
પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ થકી મજબૂત આધારનું નિર્માણ કરવું.
તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત પાયાનું શિક્ષણ પૂરું પાડવું.
મૂળભૂત સાક્ષરતા કૌશલ્યો ન ધરાવનારા યુવાનો અને પુખ્તો માટે કાર્યાત્મક સાક્ષરતાનું સ્તર વધારવું.