IIT કાનપુરના વિદ્યાર્થીઓ દ્વારા જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં કેમ્પસમાં 17 ડિસેમ્બરના રોજ મશહૂર શાયર ફૈઝ અહમદ ફૈઝની કવિતા 'હમ દેખેંગે' ગાવાના મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ માહિતી મળતાની સાથે જ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ ગઈ છે. જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે આ ઘટનાને મજાક ગણાવી હતી.
જાવેદ અખ્તરે કહ્યું કે, ફૈઝને હિન્દુ વિરોધી ગણાવવા હાસ્યાસ્પદ છે અને આ પ્રકારની વાતો કરવી મજાક સમાન છે. જાવેદ અખ્તરે કહ્યું કે, ફૈઝે પોતાનું અડધું જીવન પાકિસ્તાનની બહાર વિતાવ્યું છે. તેમને પાકિસ્તાન વિરોધી કહેવામાં આવતા હતા. વધુમાં જાવેદ અખ્તરે કહ્યું કે, ફૈઝે જનરલ ઝિયા ઉલ હકની કોમી અને કટ્ટરવાદી વિચારસરણી વિરુદ્ધ આ કવિતા લખી હતી.
IIT કાનપુરના નાયબ નિયામક મનિંદ્ર અગ્રવાલે પ્રદર્શન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, IITના 300 જેટલા વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણ કે, કલમ 144 લાગુ થવાને કારણે તેમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીએ ફૈઝની કવિતા 'હમ દેખેંગે' ગાઈ હતી, જેની સામે કાંત મિશ્રા સહિત 16થી 17 લોકોએ IIT ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી.