- ભારતીય સેનાની કેન્ટિનમાં હવે નહીં મળે આયાત સામાન
- સરકારના આ નિર્ણયથી મોટી કંપનીઓને પડશે ફટકો
- અધિકારીઓ, જવાનોને ડિસ્કાઉન્ટ પર સામાન મળતો હતો
હૈદરાબાદઃ કેન્દ્ર સરકાર આર્મીની કેન્ટિનમાં વિદેશથી આયાત કરવામાં આવેલા સામાનના વેચાણ પર પ્રતિબંધ લગાવી શકે છે. સરકારનો આ આદેશ દેશની 4 હજારથી વધારે આર્મીની કેન્ટિનમાં લાગુ કરાશે. હજી સુધી સેનાની કેન્ટિનમાં આયાત કરેલી દારૂ, ઈલેક્ટ્રોનિક સાધનો અને અન્ય વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું. દારૂથી લઈને કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને ફૂટવિયર સહિતની કંપનીઓને હવે મોટો ઝટકો લાગશે. સેનાના અધિકારીઓ, જવાનો અને પૂર્વ સૈનિકોને ડિસ્કાઉન્ટ સાથે સામાન આપવામાં આવતો હતો.
સ્વદેશી વસ્તુઓને વધુ મહત્ત્વ આપવાનો ઉદ્દેશ
મળતી માહિતી અનુસાર, સરકારે 19 ઓક્ટોબરે એક આદેશ કરીને સેનાની કેન્ટિનથી વિદેશી સામાનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો. આદેશમાં કહેવાયું છે કે, આ મુદ્દા પર આર્મી, વાયુ સેના અને ઈન્ડિયન નેવીની સાથે મેથી જુલાઈ વચ્ચે વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓને વધારે મહત્ત્વ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત સેનાની કેન્ટિનથી વિદેશી સામાનનું વેચાણ રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ આત્મનિર્ભર ભારતના અભિયાનના સમર્થન આપવાના પ્રયાસનો એક હિસ્સો
ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના મતે સીએડી દ્વારા વેચવામાં આવેલી 5500 વસ્તુઓમાંથી લગભગ 420 આયાત કરવામાં આવે છે. દરેક દેશોની સાથે ચીનથી પણ ટોયલેટ બ્રશ, ઈલેક્ટ્રિક કેટલ્સ, સેન્ડવીચ રોસ્ટર, લેપટોપ અને લેડિઝ હેન્ડબેગ જેવી ઘણી વસ્તુઓ આયાત કરવામાં આવતી હતી. ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું કહેવું છે કે, આ નિર્ણય વડાપ્રદાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અભિયાનના સમર્થન આપવાના પ્રયાસનો એક હિસ્સો છે. ઘરેલુ વસ્તુઓ વાપરવા માટે આ અભિયાન શરૂ કરાયું છે. એક વરિષ્ઠ ઉદ્યોગ અધિકારીએ કહ્યું, વિદેશથી આવેલો દારૂ, સ્માર્ટફોન અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપનીઓને આ નિર્ણયથી મોટો ફટકો પડ્યો છે.