ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) વચ્ચે 13 ઑગસ્ટે અબ્રાહમ કરાર કરવામાં આવ્યા તેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવામાં સહાયતા મળશે. બંને દેશો વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થપાશે અને દ્વિપક્ષી સંબંધો આકાર લેશે. ગત સદીની શરૂઆતથી જ પશ્ચિમ એશિયામાં તંગ સ્થિતિ રહી છે તેમાં ઘણી રાહત મળી શકે છે. આરબ ઇઝરાયલ વચ્ચે સંબંધોમાં રાબેતાને કારણે ભારતને પશ્ચિમ એશિયા વિસ્તારમાં મહત્ત્વની ભૂમિકા મળી શકે છે, કેમ કે ભારતને બંને પક્ષો સાથે સારા સંબંધો રહ્યા છે. સાત દાયકાથી આરબ ઇઝરાયલ વચ્ચે દુશ્મનાવટ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં ભારત સહાયરૂપ થઈ શકે છે.
વર્ષોના પ્રયાસો પછી યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહૂ વચ્ચે થયેલા કરારમાં ઘણી બધી શક્યતાઓ રહેલી છે. આ વિસ્તારમાં તણાવ ઓછો થઈ શકે છે અને વધારે આરબ દેશો ઇઝરાયલને માન્યતા આપે તેવું બની શકે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ઓથોરિટી વચ્ચે ફરીથી વાટાઘાટો પણ શરૂ થઈ શકે છે. જોકે પેલેસ્ટાઇનની સ્થાપના થવાની શક્યતા હજી દેખાતી નથી. જોકે યુએઈ સાથે નીકટનો સંબંધ ધરાવતા સાઉદી અરેબિયાએ કહ્યું છે કે પેલેસ્ટાઇનની રચના થવાની હોય તો જ તે આવા પ્રકારના કરાર માટે તૈયાર થશે. આ રીતે એ સ્પષ્ટ છે કે કરારની બાબતમાં સાઉદીને વિશ્વાસમાં લેવાયું હતું.
પેલેસ્ટાઇન ઓથોરિટી આ કરારથી નારાજ છે, પણ મહત્ત્વથી વાત એ છે કે આ કરારથી ઇઝરાયલ સાથેના સંબંધોની બાબતમાં વચ્ચે પેલેસ્ટાઇનની સ્થિતિ મુદ્દો રહેતી નથી. ઘણા દાયકા અગાઉ ઇજિપ્ત અને જોર્ડને આ રીતે જ ઇઝરાયલ સાથે કરાર કરી લીધા હતા અને તે પછી હવે વધુ એક આરબ દેશ તેમાં જોડાયો છે.
ભારત પેલેસ્ટાઇનના મુદ્દાને અલગ રાખીને ઇઝરાયલ સાથે સંબંધો રાખે છે અને તે બાબત જુલાઈ 2017માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સાથે સ્પષ્ટ થઈ હતી. તેમણે એ મુલાકાત વખતે પેલેસ્ટાઇનની મુલાકાત નહોતી લીધી અને તે રીતે બંને બાબતોને જુદી ગણવાની સ્પષ્ટતા કરી હતી. ભારતનું વલણ 1992માં ઇઝરાયલ સાથે સંબંધોની સ્થાપના પછી થોડું સંદિગ્ધ રહ્યું હતું, પણ તે સ્પષ્ટ થઈ ગયું હતું. આ સંબંધોને અગત્યના અને વ્યૂહાત્મક ગણવામાં આવ્યા છે અને પેલેસ્ટાઇનને સમર્થન સાથે તેને સંતુલિત કરવાની કોશિશ નથી થઈ.