શ્રીનગર: જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં પગાર નહીં મળવાને કારણે કામદારોએ તોડફોડ કરી હતી. કામદારોનો આક્ષેપ છે કે, અમને ના તો નાણાં મળી રહ્યા છે, ના તો કામ આપવામાં આવી રહ્યું છે. અમે પોતાનો પરિવાર ચલાવવામાં અસમર્થ છીએ.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સેંકડો મજૂરો કઠુઆની શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને કાપડ મિલની આજુબાજુના વિસ્તારમાં તોડફોડ શરૂ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આ બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પરિસ્થિતિ બેકાબૂ હતી ત્યારે કઠુઆ જિલ્લાના એસએસપી શૈલેન્દ્ર મિશ્રા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતાં. ખૂબ જ પ્રયત્નો કર્યા પછી કામદારો પોલીસ સાથે સહમત થયા હતાં.
પોલીસે કામદારોને આશ્વાસન આપ્યું છે કે, અમે વહીવટી તંત્રને જાણ કરી ચેનાબ કાપડ મિલ સાથે જોડાયેલા કામદારોના પગાર અંગે વાત કરીશું. લોકડાઉનને કારણે મજૂરો મુશ્કેલીમાં મુકાયા છે. હવે લોકોએ શિબિરમાં જવું જોઈએ.