ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળમાં ચીનની ચાલાકીને રોકવી ભારત માટે જરૂરી - Supreme Court

2008માં નેપાળમાં રાજાશાહી ખતમ થઈ અને પ્રજાસત્તાક તરીકે નેપાળ બન્યું છે ત્યારથી ત્યાં રાજકીય અસ્થિરતા રહી છે. 2017 સુધીના નવ વર્ષમાં જ નેપાળમાં 10 વડા પ્રધાનો આવ્યા અને ગયા. તેના કારણે રાજકીય અસ્થિરતા જાણે કાયમી બની ગઈ છે.

ETV BHARAT
નેપાળમાં ચીનની ચાલાકીને રોકવી ભારત માટે જરૂરી

By

Published : Dec 23, 2020, 1:27 PM IST

ન્યૂઝ ડેસ્કઃ 2008માં નેપાળમાં રાજાશાહી ખતમ થઈ અને પ્રજાસત્તાક તરીકે નેપાળ બન્યું છે ત્યારથી ત્યાં રાજકીય અસ્થિરતા રહી છે. 2017 સુધીના નવ વર્ષમાં જ નેપાળમાં 10 વડાપ્રધાનો આવ્યા અને ગયા. તેના કારણે રાજકીય અસ્થિરતા જાણે કાયમી બની ગઈ છે.

તે પછી નેપાળનું બંધારણ પણ બદલાયું અને નવા બંધારણ પ્રમાણે 3 વર્ષ પહેલાં ચૂંટણી થઈ તે પછી ડાબેરી પક્ષોના ગઠબંધનને સત્તા મળી હતી. નેપાળના મતદારોએ સ્થિરતા ખાતર ડાબેરી જૂથને સત્તા આપી હતી, પરંતુ ફરી એક વાર નેપાળમાં અસ્થિરતા દેખાઈ રહી છે.

ચીનની દોરવણીથી જ ખડગા પ્રસાદ ઓલીના નેપાળ સામ્યવાદી પક્ષ (UML) અને પુષ્પ કમલ દહલની આગેવાની હેઠળના નેપાળ સામ્યવાદી પક્ષ (માઓવાદી) વચ્ચે ગઠબંધન થયું હતું. બન્ને ડાબેરી પક્ષોએ ગઠબંધન કરીને ચૂંટણી લડી એટલે તેમને બે તૃતિયાંશ બહુમતી મળી હતી. તે પછી બિજિંગની દોરવણી પ્રમાણે જ બન્ને પક્ષોનું મર્જર કરી દેવાયું. તે રીતે નવો નેપાળ સામ્યવાદી પક્ષ બનાવાયો. આ સંયુક્ત પક્ષે 753 પંચાયતોની ચૂંટણીમાંથી પણ 60 ટકા પંચાયતોમાં વિજય મેળવ્યો. તેમ જ સાત પ્રાંતમાંથી 6માં પક્ષની સત્તા આવી.

બન્ને પક્ષોનું જોડાણ કરી દેવાયું, પરંતુ બન્નેના નેતાઓ ઓલી અને પ્રચંડ વચ્ચે મતભેદોનું નિવારણ થયું નહોતું. બન્ને વચ્ચેના મતભેદોને નિવારવા માટે એવી સમજૂતિ કરાઈ હતી કે બન્ને નેતાઓ અઢી અઢી વર્ષ માટે વડાપ્રધાન બનશે. આ ઉપરાંત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બન્ને જૂથોના નેતાઓ એક બીજા સાથે વાટાઘાટ કરશે તેવી પણ શરત રખાઈ હતી.

આવી સમજૂતિ છતા પ્રથમ વડાપ્રધાન બનેલા ઓલીએ પોતાની રીતે નિર્ણયો લેવાનું શરૂ કર્યું હતું. તેના કારણે પ્રંચડના જૂથ તરફથી અસંતોષ વ્યક્ત થઈ રહ્યો હતો. બન્ને જૂથો વચ્ચે અસંતોષ વધતો ગયો તે પછી હવે ઓલીએ હવે સંસદનો જ ભંગ કરી દીધો. તેમણે નવેસરથી ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જોકે વિરોધી જૂથે આ નિર્ણય સામે વાંધો લીધો છે અને સંસદનો ભંગ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જોકે નેપાળના અખબારી અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન ઓલીના નિર્ણયને માન્ય રાખે તેવી શક્યતા વધારે છે.

નેપાળની ત્રણ બાજુની સરહદ ભારત સાથે મળે છે, જ્યારે ઉત્તરમાં ચીન આવેલું છે. નેપાળમાં રાજકીય અસ્થિરતા હોય તે ભારતના હિતમાં નથી. નેપાળની સામ્યવાદી પક્ષની વિચારસરણી સાથે ચીનની વિચારસરણી મળે છે એટલે ચીનને નેપાળમાં દખલગીરી કરવાની તક મળી જાય છે. ચીન બીજી રીતે પણ નેપાળમાં પગપેસારો કરી રહ્યું છે અને અનેક પ્રોજેક્ટ્સ કરી રહ્યું છે. આ બધી ગતિવિધિ પર ભારતને નજર રાખવી જરૂરી છે.

દાયકાઓથી નેપાળ સાથે ભારતના નીકટના સંબંધો રહ્યા છે. નેપાળ અનેક બાબતોમાં ભારત પર આધાર રાખે છે અને ભારત હંમેશા પોતાની રીતે સહાય કરતું આવ્યું છે. જોકે સામ્યવાદી પક્ષો રાજકીય હેતુ ખાતર નેપાળમાં ભારતવિરોધી લાગણીઓ ભડકાવે છે. આ પક્ષો એવી ઉશ્કેરણી કરી છે કે ભારત નેપાળની આંતરિક બાબતોમાં દખલગીરી કરે છે. ઓલીએ ચૂંટણી વખતે ભાષણોમાં વારંવાર કહ્યું હતું કે તેઓ નેપાળને પડોશી દેશ પર નિર્ભર રહેવું પડે છે તેમાંથી મુક્ત કરાવવા માગે છે. ઓલીએ જ ભારત સાથે સરહદ મામલે પણ ઝઘડો કર્યો છે.

ભારતે 370ની કલમ નાબુદ કરી તે પછી ઓલીએ નવો નકશો તૈયાર કરવાની અને તેમાં કેટલાક પ્રદેશોને નેપાળના બતાવવાની કોશિશ કરી હતી. લિપુલેખ નજીક આવેલા કાલાપાણી પરગણાને પોતાનો બતાવતા નકશા ઓલીએ બનાવડાવ્યા હતા. એ જ રીતે નેપાળે જૂન મહિનામાં બંધારણીય સુધારો કર્યો અને તેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના પ્રદેશો છે એવું જણાવી નવા નકશાને માન્ય કરાવ્યો હતો.

વડાપ્રધાન ઓલી એવો પણ આક્ષેપ કરતાં રહ્યા છે કે ભારત કાવતરા કરીને તેમને સત્તા પરથી ઉથલાવી નાખવા માગે છે. તેમના આવા આક્ષેપો માનવા માટે તેમના પક્ષમાં પણ કોઈ તૈયાર નથી, પરંતુ તેઓ રાજકીય લાભ લેવા માટે બેફામ આક્ષેપો કરતાં રહે છે.

ચીન આ સ્થિતિનો લાભ લઈને નેપાળમાં પગપેસારો કરવા માગે છે. બેલ્ટ એન્ડ રોડ ઇન્નિશિયેટિવના નામે ચીને નેપાળમાં રસ્તા તથા રેલવેના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. વિકાસના કાર્યોના બહાને ચીન નેપાળમાં અડ્ડો જમાવવા માગે છે. ભારતે વ્યૂહાત્મક રીતે તેનો સામનો કરવો રહ્યો. નેપાળ ઉપરાંત ચીન બાંગ્લાદેશ, ભૂતાન અને શ્રીલંકામાં પણ ભારત વિરુદ્ધ માહોલ ઊભો કરવાની દાનત રાખે છે.

ભારતે ચીનની આ દાનતને સારી રીતે પારખીને તેનો સામનો કરવો જરૂરી છે. ભારતે પણ આ નાના પડોશી દેશોમાં વિકાસના કાર્યો હાથ ધરીને પોતાનું યોગદાન આપવું જોઈએ, જેથી ચીન પગદંડો જમાવે નહિ. આ દેશો સાથે ભારતના સદીઓ જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો રહ્યા છે તે બાબતને મહત્ત્વ આપવું પડશે.

ABOUT THE AUTHOR

...view details