નવી દિલ્હી : આગામી 15મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં યોજાનારી ‘કેવકાઝ 20’ લશ્કરી કવાયતમાં ભારતીય સૈનિકો ચીન અને પાકિસ્તાનના સૈનિકો સાથે હાથ મીલાવીને આતંકવાદી હુમલા સામે લડત આપવાની મોક ડ્રિલ સહિતની અન્ય ઘણી વોર ગેમ્સમાં ભાગ લેવાના હતા.
આ અહેવાલનું સમર્થન કરતાં લશ્કરના એક સિનિયર સ્રોતે ઇટીવી ભારતને નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, “ભારત તેના લશ્કરી જવાનોને ‘કેવકાઝ 20’માં નહીં મોકલે. આ નિર્ણય પાછળ ચીનનો મુદ્દો તથા કોવિડ-19 મહામારી જવાબદાર છે.”
ભારતના આ નિર્ણયથી એશિયાના બે મહત્વના દેશો વચ્ચે સમાધાન કરાવવાના રશિયાના પ્રયાસો આડે અવરોધ ઊભો થયો છે. કારણ કે, તેમની સંયુક્ત ભાગીદારીથી રશિયાની ભૌગોલિક-રાજકીય વ્યૂહરચનાની ક્ષમતાનો પરિચય મળ્યો હોત અને સાથે જ, ખાસ કરીને, સુલેહ કરાવવામાં અમેરિકાને સાંપડેલી નિષ્ફળતાની પૃષ્ઠભૂમિમાં રશિયાનું કદ ઘણું વધી ગયું હોત.
નજીકના ભૂતકાળમાં જ ભારત અને ચીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીની ઓફરનો ઇનકાર કરી દીધો હતો.
ભારત ‘કેવકાઝ 20’માં જોડાયું હોત, તો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચીન-વિરોધી જૂથબંધી કરવાની અને ‘ક્વોડ’ને આકાર આપવાની વ્યૂહરચનામાં શિથિલતા આવી ગઇ હોત.
બીજી તરફ, ભારતે શનિવારે લીધેલો નિર્ણય ‘ક્વોડ’ માટે ભારે પ્રોત્સાહિત પગલું છે, જેનું એક દ્રષ્ટાંત ભારતીય નૌકા દળ દ્વારા આયોજિત “મલબાર કવાયત”માં જોવા મળશે. આ કવાયત આગામી થોડા મહિનાઓમાં યોજાય તેવી શક્યતા છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ‘મલબાર કવાયત’માં ભાગ લઇ રહ્યા છે, ત્યારે જાપાનને આમંત્રણ પાઠવવા અંગે નવી દિલ્હીમાં મંત્રણા ચાલી રહી છે.