ન્યૂઝ ડેસ્ક: કોરોના રોગચાળાને અટકાવવા જ્યારે બન્ને દેશો સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવા માટે લીલી ઝંડી આપવા સામે ભારતે સ્પષ્ટ અણગમો દર્શાવ્યો છે. પાકિસ્તાને મહારાજા રણજીતસિંહની પુણ્યતિથિ નિમિત્તે 29 જૂન 2020ના રોજ શીખ યાત્રાળુઓ માટે ઐતિહાસિક કોરિડોર ફરીથી ખોલવાની તૈયારી બતાવી છે.
પાકિસ્તાના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ આજે ટ્વિટ કર્યું હતું કે "વિશ્વભરમાં પૂજા સ્થળો ખુલતાં જ, પાકિસ્તાન એ તમામ શીખ યાત્રાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી ખોલવાની તૈયારી કરી છે, 29 જૂન 2020 ના રોજ,મહારાજા રણજીતસિંહની પુણ્યતિથિ નિમિત્તે, કોરિડોર ફરીથી ખોલવાની અમારી તૈયારી અંગે અમે ભારત તરફ સંદેશ આપ્યો છે.” જોકે ભારતે આ અંગે કહ્યું છે કે પાકિસ્તાન ફક્ત સદભાવનાની ખોટી છાપ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે.
એક ભારતીય અધિકારીએ જણાવ્યું હતું “નોંધનીય છે કે, પાકિસ્તાન 2 દિવસ ની ટૂંકી સૂચના પર, 29 જૂને કરતારપુર કોરિડોર ફરી શરૂ કરવા ની દરખાસ્ત કરીને સદભાવનાનું મૃગજળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે દ્વિપક્ષીય કરારમાં મુસાફરીની તારીખના 7 દિવસ પહેલા પાકિસ્તાન સાથે માહિતી આપી દેવાની જોગવાઈ છે. આ માટે ભારત ને રજિસ્ટ્રેશન પ્રક્રિયા અગાઉથી શરૂ કરવાની જરૂર રહે છે.”
કરતારપુર કોરિડોરનું ઉદઘાટન 9 નવેમ્બર 2019 ના રોજ પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાને ધામધૂમ વચ્ચે કર્યું હતું. બાબા ગુરુ નાનક ની 550 મી જન્મ જયંતિ ની પૂર્વ સંધ્યા એ ભારત અને વિશ્વમાં શીખ ભક્તોની લાંબા સમયથી રાહ જોવાતી ઇચ્છાને પરિપૂર્ણ કરી ને આ કોરિડોર ખોલવામાં આવ્યો હતો.
કોવિડ 19 ફાટી નીકળ્યા પછી આ વર્ષે 16 માર્ચે કોરિડોર અસ્થાયીરૂપે બંધ કરાયો હતો. જો કે મહિનાઓના તાળાબંધી પછી વિશ્વના ઘણા ધાર્મિક સ્થળો ધીરે ધીરે ખુલી રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલય ના પ્રવક્તા એ જણાવ્યું હતું કે, આરોગ્યની માર્ગદર્શિકા નું પાલન થાય તે માટે પાકિસ્તાન એ ભારતને કોરિડોર ફરીથી ખોલવા માટે જરૂરી એસ.ઓ.પી. બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.