ન્યૂઝ ડેસ્ક: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓએનજીસી)ના રિસર્ચ વિભાગે પૂર્વ લદ્દાખમાં નવ જગ્યાએથી નમૂના લીધા છે, તેની પ્રાથમિક તપાસમાં અહીં રેર અર્થ અને હેવી મેટલ્સની સંભાવના દેખાઈ છે. પૂગા ખીણ અને ચુમાથાંગમાંથી લીધેલા નમૂનામાં કેટલીક રેર અર્થ અને યુરેનિયમ, લેન્થાનમ, ગેડોલિનિયમ જેવી હેવી મેટલ સહિત ઘણી કિમતી ધાતુ અને પદાર્થોની શક્યતા જોવા મળી છે.
ખૂબ કિંમતી એવા ખનીજોની આ વિસ્તારના ભૂતળમાં હાજરીને કારણે ભારત અને ચીન વચ્ચે આ પ્રદેશમાં જામેલા ઘર્ષણમાં નવું આયામ જોડાયું છે. વાટાઘાટોમાં હા ભણ્યા પછીય ચીન અમુક વિસ્તારમાંથી પાછું હટવા માટે આડોડાઈ કરી રહ્યું છે.
આ અભ્યાસના કેટલાક અંશો ઈટીવી ભારતને જોવા મળ્યા છે, પરંતુ તેમાં અભ્યાસમાં જણાવાયેલી આંકડાકિય વિગતોને જાહેર કરવામાં આવી નથી.
વાસ્તવિક અંકુશ રેખા પર ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે તેની નજીકમાં આવેલા પ્રદેશોમાંથી આ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. બંને સેનાએ નક્કી કર્યા પછી હજીય પીછેહઠ કેટલી થઈ તે સ્પષ્ટ નથી અને શિયાળામાં પણ અહીં ચોકીપહેરો રહેશે તેમ લાગે છે.
નમૂના એકઠાં કરવામાં આવ્યા તેમાં રેર અર્થના પ્રમાણના ઘણાં સારાં આંકડાં જોવાં મળ્યાં છે. ઉર્જા, વૈજ્ઞાનિક અને લશ્કરી ટેક્નોલૉજી માટે આ રેર અર્થ અનિવાર્ય હોય છે. કમ્પ્યુટર્સ, લેપટોપ, મોબાઇલ ફોન, ડિજિટલ કેમેરા, સોલર પેનલ, ઇલેક્ટ્રિક કાર, સેટેલાઇટ, લેસર ઉપરાંત સેના માટેના લડાયક વિમાનના ઉત્પાદન માટે આ રેર અર્થના પદાર્થોની જરૂર પડતી હોય છે.
ઓએનજીસી દ્વારા પ્રારંભિત તપાસ માટેનો આ પ્રોજેક્ટ 2018માં શરૂ થયો હતો. જીયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે 'લદ્દાખ દેશનો જીઓથર્મલ શક્યતા માટેનો સૌથી સાનુકૂળ પ્રદેશ છે', તે પછી આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
ઈટીવી ભારતે અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું કે લદ્દાખના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હાઇડ્રોકાર્બનનો જથ્થો હોવાની પણ શક્યતા છે.
ઓએનજીસીની પાઇલટ સ્ટડી ફેબ્રુઆરી 2020માં અટકાવી દેવી પડી, કેમ કે કોરોના વાઇરસનો ચેપ ફેલાવા લાગ્યો હતો. બાદમાં ચીનની લશ્કરી જમાવટના કારણે આ વિસ્તારમાં તંગદિલી વધી તેથી સંશોધન આગળ વધતું અટક્યું છે.
રેર અર્થ મટિરિયલ્સ અને મેટલની હાજરી કેટલી છે, ગુણવત્તા અને જથ્થો કેટલો છે તેનો અભ્યાસ કરવાનો છે. સાથે જ આ વિસ્તારના જીયોથર્મલ સ્રોતને વધારે સારી રીતે સમજવા માટે અભ્યાસ કરવાનો છે. લીધેલા નમૂનામાંથી બોરોન, લિથિયમ, સેસિયમ, વેનેડિયમ, યુરેનિયમ અને થોરિયમ કેવું અને કેટલું છે તે માટે વધારે અભ્યાસ જરૂરી છે.
આવા પદાર્થોને રેર અર્થ કહેવામાં આવે છે તેનો અર્થ એવો નથી કે તે અલભ્ય હોય છે. પરંતુ મોટા ભાગે કોઈ એક જગ્યાએ તેનો સંગ્રહિત થયેલો વ્યાપક જથ્થો નથી મળતો કે જેથી ખોદકામ કે ખાણકામ થઈ શકે.
ચીન અત્યારે રેર અર્થ અને મેટલ્સના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી બન્યું છે. હાલમાં પ્રગટ થયેલા કેટલાક વૈશ્વિક અહેવાલો અનુસાર ચીન રેર અર્થને વધારે મહત્ત્વ આપી રહ્યું છે. તેના સ્રોતોના આધારે ચીન ભૂભૌગોલિક પ્રભુત્વ જમાવવા માગે છે અને માત્ર વેપારી ધોરણે નહિ, પણ વ્યૂહાત્મક રીતે પશ્ચિમના દેશો સામે જમાવટ કરવા રેર અર્થમાં આગળ રહેવા માગે છે.
2018માં ચીને 120,000 ટન રેર અર્થનું ઉત્પાદન કર્યું હતું. તેની પછીના સ્થાને ઓસ્ટ્રેલિયા અને અમેરિકા હતા, જ્યાં માત્ર 15,000 ટનનું ઉત્પાદન થયું હતું. અમેરિકામાં વપરાતી 80 ટકા રેર અર્થ ચીનમાંથી આવે છે. એટલું જ નહિ ચીન વિશ્વમાં રેર અર્થના વેપારમાં 90 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ જાગ્યો તે પૂર્વ લદ્દાખમાં રેર અર્થની શક્યતા - Samples were taken from Ladakh by the Research Department of the Oil and Natural Gas Commission
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશનના (ઓએનજીસી) રિસર્ચ વિભાગે પૂર્વ લદ્દાખમાં નવ જગ્યાએથી નમૂના લીધા છે, તેની પ્રાથમિક તપાસમાં અહીં રેર અર્થ અને હેવી મેટલ્સની સંભાવના દેખાઈ છે. પૂગા ખીણ અને ચુમાથાંગમાંથી લીધેલા નમૂનામાં કેટલીક રેર અર્થ અને યુરેનિયમ, લેન્થાનમ, ગેડોલિનિયમ જેવી હેવી મેટલ સહિત ઘણી કિમતી ધાતુ અને પદાર્થોની શક્યતા જોવા મળી છે.
ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ જાગ્યો તે પૂર્વ લદ્દાખમાં રેર અર્થની શક્યતા
- સંજીબ કુમાર બરૂઆ