કલ્યાણ યોજનાના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવામાં રાજ્યો પાછળ ચાલી રહ્યાં છે જે પરિસ્થિતિ પ્રત્યે બેદરકારી બતાવે છે, તે મુદ્દે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેમની ફરિયાદ વ્યક્ત કરી હતી. પોષણ અભિયાનનો અમલ માત્ર નામ ખાતર થઈ રહ્યો છે અને પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, કેરળ, ઓડિશા અને ગોવા જેવાં રાજ્યો ઘણાં પાછળ છે. કેન્દ્રએ અત્યાર સુધીમાં રૂ. ૩,૭૬૯ કરોડ ફાળવ્યાં છે, પરંતુ માત્ર રૂ. ૧,૦૫૮ કરોડ (૩૩) ટકા જ વપરાયા છે. યોજનાની પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગોવામાં તો શરૂઆત પણ નથી કરાઈ. કર્ણાટક અને પંજાબનાં રાજ્યોમાં માત્ર એક ટકા ભંડોળ જ વપરાયું છે. હરિયાણા અને કેરળ રાજ્યોમાં પણ ભંડોળના વપરાશની ટકાવારી ૧૦ જ છે.
કેન્દ્ર સાથે ગંભીર મતભેદો ધરાવતી પશ્ચિમ બંગાળની તૃણમૂળ કૉંગ્રેસ સરકારે આ યોજનાની વિચારણા પણ નથી કરી. રાજ્ય પ્રધાન શ્રી સાસી પાંજાએ આ યોજનાનો અમલ નહીં કરવાનું કારણ સમજાવતાં કહ્યું કે રાજ્યની પોષણ યોજના કેન્દ્રની યોજના કરતા વધુ સર્વગ્રાહી છે. આવી જ સ્થિતિ ભાજપ શાસિત ગોવા રાજ્યમાં પણ પ્રવર્તે છે. ગોવા સરકારના સંબંધિત અધિકારી દીપાલી નાયકે યોજનાનો અમલ અને ઉણપના મુખ્ય કારણ તરીકે જરૂરી મેદાની કર્મચારીગણનો અભાવ ગણાવ્યો છે. અધિકારીએ સમજાવ્યું કે ભંડોળ ઓછામાં ઓછું વાપરીને સ્માર્ટ ફૉન અને સાધનો પ્રાપ્ત કરવામાં વિલંબ કારણભૂત છે.
પંજાબમાં અન્ય રાજ્યો કરતાં સ્થિતિ કંઈક સારી છે. અનેક સર્વેક્ષણોમાં એ સ્પષ્ટ થયું છે કે યોજનાની વર્તમાન ગતિ ચોક્કસ જ પાછળ રહી જશે. આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ ‘લાન્સેટ’ના સર્વેક્ષણમાં ચેતવણી અપાઈ છે કે જો ઓછો વિકાસ, જન્મ સમયે ઓછું વજન, મહિલાઓ અને બાળકોમાં લોહીની ઉણપ જેવી ઉણપોને નિયંત્રિત કરવામાં પ્રગતિ નહીં કરે તો ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં પોષણ અભિયાનનું લક્ષ્ય પ્રાપ્ત કદાચ નહીં કરી શકે. ભારતીય મેડિકલ સંશોધન પરિષદે આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. છ વર્ષમાં શિશુ, સગર્ભા અને દૂધ પીતાં બાળકોના પોષણ દરજ્જાને સીધા કે આડકતરા અસર કરતા કાર્યક્રમો મોટી સંખ્યામાં હોવા છતાં તમામ રાજ્યોમાં પૂરતા પોષણ પૂરવઠા સંબંધિત સમસ્યાઓ વિકરાળ બની રહી છે.
પોષણ અભિયાન કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૮માં આ યોજનાઓ વચ્ચે સામંજસ્ય સાધવા માટે કરાઈ હતી. તે અનેક ખાતાંઓ વચ્ચે એકીકૃત પાયા પર ચલાવવાની હતી. મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની સેવાઓનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં કુપોષણની સમસ્યાને નાબૂદ કરવાનો હતો. નીતિ આયોગે આ યોજનાની મદદથી વિકાસની ખાધ બે ટકા સુધી, ઊંચાઈમાં ઘટાડો બે ટકા સુધી, શિશુ, મહિલાઓ અને તરુણોમાં લોહીની ઉણપ ત્રણ ટકા સુધી અને જન્મ સમયે ઓછા વજનને બે ટકા સુધી ઘટાડવા તમામ રાજ્યો માટે લક્ષ્ય રાખ્યું હતું. જ્યારે નીતિ આયોગે ૨૮ આકાંક્ષી જિલ્લાઓમાં સર્વેક્ષણ કર્યું ત્યારે તેમને આંચકાજનક પરિણામો મળ્યાં હતાં કે ૭૮ ટકા સગર્ભા અને દૂધ પાતી મહિલાઓની આંગણવાડીમાં નોંધણી કરાઈ હતી અને માત્ર ૪૬ ટકા મહિલાઓને જ પૌષ્ટિક ખોરાક મળતો હતો.