સમગ્ર વિગત અનુસાર, સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેયર કરતાની સાથે વધતા જતા ફોલોઅર્સની સંખ્યા એક મહિલાની મોતનું કારણ બની ગયું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આમેર વિસ્તારમાં લોહીથી લથપથ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે 5 કલાકની અંદર જ સંપૂર્ણ વિગતો બહાર પાડી હતી. પોલીસે હત્યાના આરોપમાં મહિલાના પતિ અયાઝ અહમદની ધરપકડ પણ કરી છે. આરોપી પતિએ પત્નીની હત્યા કરી હોવાનો ગુનો પણ કબુલ્યો છે.
ફેસબુકમાં પત્નીના મિત્રો વધ્યાં તો પતિએ પત્નીની કરી નાખી હત્યા
રાજસ્થાનઃ રાજ્યની રાજધાની જયપુરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિને પત્નીના ચરિત્ર પર શંકા હોવાના કારણે તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી હતી. પોલીસે આ મામલે 5 કલાકમાં જ સંપૂર્ણ ખુલાસો કરી દિધો હતો જેમાં સામે આવ્યું હતું કે, પતિને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોવાના કારણે તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, પતિને સોશિયલ મીડિયા પર પત્નીના વધતા જતા ફોલોઅર્સથી પણ વાંધો હતો.
આ મામલે ખુલાસો કરતા એડિશનલ પોલીસ કમિશ્નર ક્રાઈમ અશોક કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે, દિલ્હી હાઈવે સ્થિત માતાજીના મંદિર નજીક રોડ પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ તેની ઓળખ છુપાવવા માટે મહિલાના ચહેરાને પથ્થરથી કચડી નખાયો હતો, પરંતુ પોલીસની તપાસ દરમિયાન મૃતદેહની ઓળખ જયસિંહ પુરાની નિવાસી રેશમા મંગલાની તરીકે થઈ છે.
પોલીસે મહિલાના પરિવારજનો સાથે વાતચીત કરી તો તેઓએ મહિલાના પતિ પર શંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોની શંકા પર પોલીસ દ્વારા તપાસ કરાતા તમામ મહિલાના પતિએ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે તેને દબોચી લીધો હતો. બન્નેના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા, પરંતુ બન્ને વચ્ચે લગ્ન બાદ ઝગડાઓ થતા હતા. પોલીસે વધુ ખુલાસો કરતા કહ્યું કે, આરોપી પતિએ હત્યા પહેલા કાવતરું રચ્યું હતું. જેમાં પતિએ પત્નીને પહેલા દારૂ પીવડાવ્યા બાદ યોજનાકીય રીતે તેની હત્યા નિપજાવી હતી.