સયુંકત ઓપરેશન દરમ્યાન 130થી વધુ બાળ મજૂરોને મુક્ત કરાવી કસૂરવારો સામે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાવવામાં આવેલા તમામ બાળકો રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ગામડાના છે, અને તેઓને ઠાલા સપના બતાવી સુરત ખાતે કાળી મજૂરી કરવા લાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે.
રાજસ્થાન બાળ વિકાસ આયોગ, રાજસ્થાન પોલીસ, બચપન બચાવો આંદોલન, સેન્ટ્રલ આઈબીની ટીમેં મળેલી માહિતીના આધારે પુના પોલીસ અને સુરત પોલીસ સાથે મળી મળસ્કેના પાંચ વાગ્યાના સમય દરમ્યાન સયુંક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને ટીમે સયુંકત ઓપરેશન હાથ ધરી પુણા વિસ્તારમાં આવેલ સીતા નગર સોસાયટીના મકાનોમાં છાપો માર્યો હતો.
માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું અહીં એક એક રૂમમાંથી 25-25 જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ ગોંધી રાખવામાં આવતા હતા. જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે બાળકોને ગોંધેલા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં એક રૂમમાં બેથી ત્રણ વ્યક્તિઓ સમાવી શકાય તે રૂમમાં 25થી 30 જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂમમાં સગીર વયના બાળકો જાતે ભોજન બનાવતા પણ પોલીસ નજરે પડ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ બાળકો રાજસ્થાન નજીક આવેલી બોર્ડરના ગામમાંથી લાવવામાં આવ્યા છે. માતા-પિતાએ મજબૂરીવશ થઈને અથવા તો કેટલાક બાળકોને મોટા મોટા સપનાઓ બતાવી લાવવામાં આવ્યા હોવાની પણ આ માહિતી સામે આવી છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન પોલીસ સેન્ટ્રલ આઇબીની ટીમ સહિત પુણા પોલીસે 130 જેટલા બાળકોને હાલ મુક્ત કરાવ્યા છે, ત્યારે આ બાળકોને પોતાના માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે જે બાળકો માતા-પિતા વિહોણા હશે તેઓને ચાલ હોમમાં મોકલી આપવામાં આવશે.
સુરતમાં ઝડપાયેલા સૌથી મોટા માનવ તસ્કરીના રેકેટનો સ્થાનિક લેવલનું ચાઇલ્ડ લેબર સંસ્થા ઉંઘતી ઝડપાઈ છે, ત્યારે આ મામલે હવે પુણા પોલીસે કસૂરવારો સામે પગલાં ભરવાની પણ તજવીજ હાથ ધરી છે.