ન્યૂઝ ડેસ્ક: કોરોનાની રસી ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પહોંચાડી દેવામાં આવી છે અને 16 જાન્યુઆરીથી દેશમાં સત્તાવાર રીતે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે કોરોનાની રસીની અસર, આડઅસર અને રાખવી પડતી તકેદારીઓને લઈને લોકોમાં અસમંજસની ભાવના છે. કોરોના રસીકરણ અંગે ડોક્ટર્સ જણાવે છે કે, 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે લોકોમાટે ઘણી રાહતના સમાચાર છે. અત્યાર સુધી કોરોનાથી બચવા માટે કોઈ વેક્સિન નહતી. જેથી લોકોને એન્ટિવાઇરલ દવા, ઓક્સિજન તેમજ ICUમાં સારવાર આપવામાં આવતી હતી. જોકે તેમ છતાં અનેક લોકોને તેમના જીવ ગુમાવાવનો વારો આવ્યો છે.
એક વાર રસી મુકાવ્યા બાદ તેની અસર ક્યાં સુધી રહે?
ધારો કે કોરોનાની રસીની અસર અમુક ચોક્કસ સમય માટે રહે છે એવું જાણવા મળે તો તે સમયગાળો પુરો થાય તે પહેલાં ફરીવાર રસી મુકાવવી પડે. જેમ ડ્રાઈવિંગ લાઇસન્સની મુદ્દત પુરી થાય તે પહેલાં તેને રિન્યૂ કરવાવવું પડે તેમ રસીની અસર પુરી થાય તો તે પહેલાં ફરીવાર રસી મુકાવવા પડે, જેથી કોરોનાની અસરથી બચી શકાય.
કેટલા તાપમાનમાં રસી રાખી શકાય?
ભારતમાં જે બે વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવેક્સિન અને કોવિશીલ્ડનો સમાવેશ થાય છે. આ બન્ને રસીને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવાની હોય છે. જેના માટે આઇસબોક્સ કે આઇસપેક્સની જરૂર પડે છે. જે આપણા આરોગ્યકેન્દ્રો પર પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.