સુરતમાં રાજસ્થાની સમાજનો ફાગોત્સવ લવલી વગર અધુરો માનવામાં આવે છે. પહેલી નજરમાં જ કોઈ પણ વ્યક્તિ લવલીને જોઈને કહી ન શકે કે આ છોકરો છે કે છોકરી. તે સૌ કોઈને ચોંકાવી દે તેમ છે. હોળી-ધુળેટીના પર્વને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં વસતા રાજસ્થાની સમાજના લોકોને મનોરંજન પૂરું પાડવા આ લવલી સુરત આવી પહોંચી(પહોંચ્યો છે એવું પણ કહી શકાય) છે.
મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા અને જારદન ગામના વતની વિક્રમસિંહની લવલી સુધીની સફર એક ફિલ્મી સ્ટોરી જેવી છે. એક છોકરી તરીકેના પહેરવેશમાં તેણે ઘણા એવા લોકોનો સામનો કર્યો છે, જે લોકો વિક્રમને ખરેખર યુવતી સમજી પાછળ પડ્યા હતા. તેણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ 15 વર્ષે વિક્રમ નામનો આ યુવાન લવલીનું બિરુદ મેળવી શક્યો છે.
આ અંગે વિક્રમે જણાવ્યું કે, "તેણે નાનપણ ખૂબ જ ગરીબીમાંથી પસાર કર્યું છે. શરૂઆતમાં ઘણા સંઘર્ષ કરવા પડયા, ગરીબ પરિવારમાં ભાઈ બહેનોનું ગુજરાન ચલાવવાનું હતું. તેથી નોકરી છોડી ફુલ ટાઈમ ડાન્સનું જ કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈકવાર એવો બનાવ પણ બન્યો હતો કે, તેણે ગ્રુપ સાથે પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું હતું. છોકરી બનીને જયારે પણ કોઈ પ્રોગ્રામમાં જવુ પડતું, ત્યારે મોટાભાગના લોકો એ નથી સમજી શકતા કે તે છોકરી છે કે પછી છોકરો.
રંગ છે રાજસ્થાનનો, આ 'લવલી' વગર અધુરી છે સુરતની હોળી મહાશિવરાત્રી બાદ રાજસ્થાની સમાજના શરૂ થતાં ફાગોત્સવ પર્વને લઈ લવલીને ખાસ સમાજ દ્વારા રાજસ્થાનથી આમંત્રિત કરવામાં આવે છે. છેલ્લા તેર વર્ષથી પણ વધુ સમયથી લવલી રાજસ્થાનથી સુરત ફાગોત્સવના પર્વ દરમિયાન મનોરંજન કરવા આવે છે. જ્યાં રાજસ્થાની કલચર મુજબ પરિહારી, ઘુમ્મર નૃત્ય, ઘોડી નૃત્ય જેવા કાર્યક્રમો કરે છે. લવલીના નૃત્ય અને ડાન્સને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા હોય છે. મહિલાઓ તો તેના આ ડાન્સ અને નૃત્ય પર મોહિત થતી જોવા મળે છે. હાલ સુરતના સીટી લાઈટ સહિતના વિસ્તારોમાં રાજસ્થાની સમાજ દ્વારા આયોજિત ફાગોત્સવના વિવિધ કાર્યક્રમોમાં લવલીની હાજરી જોવા મળી રહી છે. જે રાજસ્થાની સમાજ માટે આ કાર્યક્રમો લવલી વિના અધૂરા છે.
રાજસ્થાનથી સુરત ફાગોત્સવના કાર્યક્રમમાં આવતા વિક્રમ ઉર્ફે લવલીના જણાવ્યાનુસાર, તે છેલ્લા દસ વર્ષથી હોળીના કાર્યક્રમ દરમિયાન સુરત આવે છે. રાજસ્થાન યુવા મંડળથી તેણે પોતાની શરૂઆત નવ વર્ષ અગાઉ કરી હતી. સુરતમાં સૌથી વધુ કાર્યક્રમો ફાગોત્સવ દરમિયાન કરી ચુક્યો છે. સુરતના લોકોનો સારો એવો સાથ-સહકાર પણ મળે છે. ઘુમ્મર નૃત્ય, ઘોડી નૃત્ય જેવા કાર્યક્રમો હાલ અહીં તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. 20 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. જ્યાં પોતે કાર્યક્રમમાં હાજર રહી ફાગોત્સવની ઉજવણી દરમિયાન લોકોને મનોરંજન પૂરું પાડવાનો છે.
હોળી-ધુળેટીના પર્વ અગાઉ રાજસ્થાની સમાજ દ્વારા ફાગોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુંદર દેખાતી અને સૌ કોઈને પોતાના રૂપ અને શૃંગારથી મોહિત કરી લેતી લવલીની ઉપસ્થિતિ અવશ્ય જોવા મળે છે. હાલ લવલી સુરતના ફાગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી અલગ-અલગ નૃત્ય પર રાજસ્થાની સમાજના લોકોના મન જીતી રહી છે. પરંતુ એક વાત અહીં ચોક્કસ કહેવું જરૂરી છે કે, આ લવલીને જોઈ સૌ કોઈ એક વિચારમાં પડી જાય તે વાતને નકારી શકાય નહીં.