ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હોકી અને ધ્યાનચંદઃ ભારતીય રમતની આત્મા અને હ્રદય - મેજર ધ્‍યાનચંદ

ન્યુઝ ડેસ્ક: જેમ ક્રિકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદ જાણીતા છે. ૭પ વર્ષ થયા બાદ પણ ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળ્યો નથી.

hockey

By

Published : Aug 29, 2019, 11:46 AM IST

હોકીના જાદુગર મેજર ધ્‍યાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી હતી.

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો. બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.

1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધો અડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી હતીં. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.

સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા ભજવતા 2 ગોલ કર્યા હતાં. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. 1928માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી હતીં. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી.

1932માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં 1928ની રમતનું પુનરાવર્તન કર્યુ હતું. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે 24 વિરૂદ્ધ 1 ગોલથી કારમો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા.

1935માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કર્યા. તેમાંથી 201 ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી હતી. મેચ પૂરી થયા બાદ ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે.

1936માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી ન હતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી.

ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો હતો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો.

મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી.

1948માં તેમણે હોકીમાંથી નિવૃત્તિ સ્વીકારી હતી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો હતો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રેલીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક.

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું હતું. દેશ માટે ઓલિયમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની બિમારીના સમયે સારવારના પણ પૈસા ન હતાં. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details